ગડકરીને ધમકીભર્યો કોલઃ કેસ બંધ કરવા NIAની માગ
મુંબઈ: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને જાન્યુઆરી અને માર્ચ, ૨૦૨૩માં ધમકીભર્યો કોલ આવ્યો હતો ત્યારે મહારાષ્ટ્ર પોલીસે દાવો કર્યો હતો કે ત્રણ શખસ દ્વારા ખંડણી માટે ફોન કરાયો હતો, પણ હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ કોર્ટમાં આ કેસ પૂરાવાના અભાવે બંધ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
ગૃહ મંત્રાલયના આદેશ બાદ એનઆઇએએ જુલાઇ, ૨૦૨૩ના આ કેસ હાથ ધર્યો હતો, પરંતુ આ અઠવાડિયે એજન્સીએ કોર્ટમાં કહ્યું હતું કે તે આ કેસ બંધ કરવા માગે છે. મહારાષ્ટ્ર પોલીસે એનઆઇએને કેસ ટ્રાન્સફર કર્યા વગર તપાસ ચાલુ રાખી હતી અને ગયા વર્ષે ત્રણ શખસની આતંકવાદ સાથે કડી હોવાની જાણ સાથે ચાર્જશીટ પણ ફાઇલ કરી હતી.
આ પણ વાંચો: આતંકવાદ કે યુદ્ધ કરતા સૌથી વધુ મોત રોડ અકસ્માતમાં થાય છેઃ ગડકરીનું મોટું નિવેદન
૨૦૨૩માં આ કેસની તપાસ શરૂ થઇ હતી ત્યારે બે એફઆઇઆર નાગપુરના ધંતોલી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. ૧૪મી જાન્યુઆરી, ૨૦૨૩ના પ્રથમ ધમકીભર્યા કોલ દરમિયાન રૂ. ૧૦૦ કરોડ અને ૨૧મી માર્ચે બીજો કોલમાં રૂ. ૧૦ કરોડની ખંડણીની માગવામાં આવી હતી.
ત્યારે આ બે એફઆઇઆર નોંધવામાં આવી હતી. પોલીસે શરૂઆતમાં ખંડણી અને અપરાધી કાર્યવાહી સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને જયેશ પૂજારી નામનો આરોપી પકડાયો હતો અને તેની સાથે બે જણ વધુ પકડાયા હતા. તેમની સામે ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: મરતા પહેલા હમાસના વડા હાનિયેએ નીતિન ગડકરી સાથે સ્ટેજ શેર કર્યું
પોલીસે ત્યારે તેઓની કડી આતંકવાદ સાથે જોડાયેલી હોવાનો દાવો પણ કર્યો હતો. ત્યારે પોલીસે આરોપીઓ સામે અનલૉફુલ એક્ટિવિટિસ (પ્રિવેન્શન) એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો.
આતંકવાદ સાથે કડી હોવાનું સમજતા ગૃહ મંત્રાલયે કેસ ૧૩મી જુલાઇ, ૨૦૨૩ના એનઆઇએને સોંપ્યો હતો. ત્યાર બાદ કેસ ટ્રાન્સફરમાં અમુક સમસ્યા આવી હતી અને ત્યાં સુધી પોલીસે તેની તપાસ શરૂ જ રાખી હતી.
આ પણ વાંચો: વીમાના પ્રીમિયમ પર જીએસટી ઘટાડવાની નીતિન ગડકરીએ સરકારને કરી માગણી
આ સમયગાળા દરમિયાન એનઆઇએએ મહારાષ્ટ્ર પોલીસની તપાસને કોર્ટમાં પડકારી પણ નહોતી અથવા કોઇ કોર્ટે તપાસ રદ પણ કરી નહોતી.
હવે આ અઠવાડિયે એનઆઇએએ મુંબઈની વિશેષ અદાલતમાં પૂરાવાના અભાવે કેસ બંધ કરવાની માગણી કરી છે.