વિદેશ પ્રધાન જયશંકર નેપાળ પહોંચ્યા, ટોચના નેતાઓ સાથે કરશે મુલાકાત
સંયુક્ત કમિશનની બેઠક દરમિયાન નેપાળ-ભારત સંબંધોના તમામ પાસાઓની સમીક્ષા કરવામાં આવશે
કાઠમંડુ: વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું કે તેઓ નેપાળ ફરીવાર આવીને ખુશ છે અને દેશમાં તેમના કાર્યક્રમોની રાહ જોઈ રહ્યા છે. જયશંકર ગુરુવારે નેપાળના વિદેશ પ્રધાન સાથે સાતમી નેપાળ-ભારત સંયુક્ત આયોગની બેઠકની સહ-અધ્યક્ષતા માટે બે દિવસની મુલાકાતે અહીં પહોંચ્યા હતા.
ગુરુવાર અને શુક્રવારે યોજાનારી આ બેઠક દરમિયાન બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધોની સમગ્ર સ્થિતિની સમીક્ષા કરશે. વર્ષ ૨૦૨૪માં જયશંકરની આ પ્રથમ વિદેશ યાત્રા છે. જયશંકર નેપાળના વિદેશ પ્રધાન એન. પી. સઉદ સાથે ભારત-નેપાળ સંયુક્ત આયોગની બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. સઉદે અહીં ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જયશંકરનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
નેપાળના વિદેશ સચિવ સેવા લમ્સાલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ પણ જયશંકરનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે “૨૦૨૪ના મારા પ્રથમ પ્રવાસ માટે નેપાળમાં પરત આવીને ખુશ છું. આગામી બે દિવસમાં યોજાનાર કાર્યક્રમોમાં ભાગ લેવા માટે ઉત્સુક છું.
ભારત-નેપાળ જોઇન્ટ કમિશનની સ્થાપના ૧૯૮૭માં કરવામાં આવી હતી અને તે બંને પક્ષોને દ્વિપક્ષીય ભાગીદારીના તમામ પાસાઓની સમીક્ષા કરવા માટે એક મંચ પૂરો પાડે છે.
વિદેશ પ્રધાને નવી દિલ્હીમાં કહ્યું હતું કે નેપાળ તેની નેબરહુડ ફર્સ્ટ નીતિ હેઠળ ભારતનું મહત્ત્વપૂર્ણ ભાગીદાર છે. આ મુલાકાત બે નજીકના અને મૈત્રીપૂર્ણ પાડોશીઓ વચ્ચે ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની પરંપરાને ધ્યાનમાં રાખીને છે.
નેપાળના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અમૃત બહાદુર રાયના જણાવ્યા અનુસાર, સંયુક્ત કમિશનની બેઠક દરમિયાન નેપાળ-ભારત સંબંધોના તમામ પાસાઓની સમીક્ષા કરવામાં આવશે. આ દ્વિપક્ષીય બેઠક મુખ્યત્વે આગામી દિવસોમાં નેપાળ-ભારત સંબંધોને મજબૂત કરવા અને તેમની વચ્ચે વધતી ભાગીદારી દ્વારા બંને દેશો માટે મહત્તમ લાભ મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે જયશંકર તેમની મુલાકાત દરમિયાન નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ અને વડા પ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ સાથે મુલાકાત કરશે. વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે જયશંકરનો નેપાળના વરિષ્ઠ નેતાઓને મળવાનો પણ કાર્યક્રમ છે.