નાગપુરમાં વિસ્ફોટકો બનાવતી ફેક્ટરીમાં વિસ્ફોટ: નવનાં મોત
નાગપુર: મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં વિસ્ફોટકોનું ઉત્પાદન કરતી ફેક્ટરીમાં રવિવારે થયેલા વિસ્ફોટમાં નવ જણનાં મોત થયાં હોવા ઉપરાંત ત્રણ જણ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું પોલીસે રવિવારે કહ્યું હતું.
બાઝારગાંવ વિસ્તારસ્થિત સોલાર ઈન્ડસ્ટ્રિઝના કાસ્ટ બૂસ્ટર એકમમાં સવારે નવ વાગ્યે આ વિસ્ફોટ થયો હતો, એમ પોલીસે કહ્યું હતું.
વિસ્ફોટને કારણે ફેક્ટરીની ઈમારતને પણ નુકસાન થયું હતું એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે વિસ્ફોટને સમયે ફેક્ટરીમાં ૧૨ કામદાર હતા.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાને કમનસીબ લેખાવી હતી અને મૃતકોના પરિવારજનો પરત્વે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં છ મહિલા સહિત નવ જણનાં મોત થયાં હોવાનું ફડણવીસે કહ્યું હતું.
આ કંપની સશસ્ત્ર દળ માટે વિસ્ફોટકો અને ડ્રોનનું ઉત્પાદન કરતી હતી.
ઘટનાની સમીક્ષા કરવા એસપી, આઈજી, એસપી અને કલેક્ટર ઘટનાસ્થળે પહોંચી ગયા હોવાનું જણાવતાં ફડણવીસે કહ્યું હતું કે રાજ્ય સરકાર અસરગ્રસ્તોના પરિવારજનો સાથે છે. નાગપુર જિલ્લા કલેક્ટર અને એસપી સાથે હું સીદા સંપર્કમાં છું, એમ તેમણે કહ્યું હતું.
રાજ્ય સરકાર મૃતકના પરિવારજનોને વળતરપેટે પાંચ લાખ રૂપિયા આપશે. આ નિર્ણયને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંજૂરી આપી હતી.
સોલાર ઈન્ડસ્ટ્રીઝના જનરલ મેનેજર આશિષ શ્રીવાસ્તવે પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે કોલસાની ખાણમાં વપરાતા બૂસ્ટરનું ઈમારતના જે ભાગમાં ઉત્પાદન કરવામાં આવતું હતું ત્યાં વિસ્ફોટ થયો હતો.
પ્રાથમિક અહેવાલ મુજબ આ ઘટનામાં નવ જણનાં મોત થયાં હતાં ને ગંભીર રીતે ઘવાયેલા ત્રણ જણને સારવારાર્થે નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
નવ મૃતકને યુવરાજ ચારોડે, ઓમેશ્ર્વર, ભાગ્યશ્રી લોનારે, રુમિતા ઉલ્કે, મિતા ઉલ્કે, આરતી સહારે, સ્વેતાલી માર્બાતે, પુષ્પા માનાપુરે અને મૌસમ પાટલે તરીકે ઓળખી કાઢવામાં આવ્યા હતા.
ઘાયલ થયેલાઓની હાલત ગંભીર હોવાનું તેમણે કહ્યું હતું.
આસપાસના વિસ્તારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘટનાને મામલે સઘન તપાસ અને થયેલા નુકસાનની આકારણી કરવામાં આવી રહી છે, એમ એસપી હર્ષ પોદારે કહ્યું હતું. (એજન્સી)