દેશના આ રાજ્યોમાં મળે છે સૌથી મોંઘું અને સસ્તું પેટ્રોલ, જાણી લો કયા રાજ્યો છે?
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પૂર્વે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, જેનાથી પરિવહન ક્ષેત્રને રાહત થઈ હતી. હાલમાં આંધ્ર પ્રદેશ, તેલંગણા અને કેરળમાં પેટ્રોલ અને ડિઝલ દેશમાં સૌથી મોંઘુ છે, જ્યારે આંદામાન અને નિકોબાર ટાપુઓ, દિલ્હી અને ઉત્તર-પૂર્વ જેવા નાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વાહનના ઇંધણના ભાવ સૌથી ઓછા છે, એમ ઈન્ડસ્ટ્રીના અહેવાલમાં જણાવ્યું હતું.
સ્થાનિક સેલ્સ ટેક્સ અને વેલ્યુ એડેડ ટેક્સ(વેટ) દરોમાં તફાવતને કારણે વાહનોના ઇંધણની કિંમતો તમામ રાજ્યોમાં બદલાય છે. વાયએસ જગન મોહન રેડ્ડીની વાયએસઆરસીપી શાસિત આંધ્ર પ્રદેશમાં પેટ્રોલ સૌથી મોંઘું પ્રતિ લિટર રૂા. ૧૦૯.૮૭ છે. ત્યાર બાદ કેરળમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ(એલડીએફ)નું શાસન છે. ત્યાં એક લીટર પેટ્રોલ ૧૦૭.૫૪ રૂપિયામાં વેચાઇ રહ્યું છે.
કોંગ્રેસ શાસિત તેલંગણામાં પેટ્રોલની કિંમત ૧૦૭.૩૯ રૂપિયા પ્રતિ લીટર છે. ભાજપ શાસિત રાજ્યો પણ પાછળ નથી. ભોપાલમાં પેટ્રોલ રૂા. ૧૦૬.૪૫ પ્રતિ લીટર, પટણામાં રૂા. ૧૦૫.૧૬(બિહારમાં જેડી-યુ સાથે ભાજપની ગઠબંધન સરકાર છે), જયપુરમાં રૂા. ૧૦૪.૮૬ અને મુંબઇમાં રૂા. ૧૦૪.૧૯ છે.
મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ શાસિત પશ્ચિમ બંગાળમાં પેટ્રોલની કિંમત ૧૦૩.૯૩ રૂપિયા પ્રતિ લીટર છે. ડેટા અનુસાર અન્ય રાજ્યો જ્યાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરથી વધુ છે. તેમાં ઓડિશા, તમિલનાડુ અને છતીસગઢનો સમાવેશ થાય છે.
બીજી તરફ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પેટ્રોલ સૌથી સસ્તું છે. જ્યાં ૮૨ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. ત્યાર બાદ સિલ્વાસા અને દમણનો નંબર આવે છે. જ્યાં તે રૂા. ૯૨.૩૮-૯૨.૪૯ પ્રતિ લીટર છે. અન્ય નાના રાજ્યોમાં પણ પેટ્રોલ સસ્તું છે. તેમાં દિલ્હી, પણજી, આઇઝોલ અને ગુવાહાટીનો સમાવેશ થાય છે.
ડીઝલના ભાવની વાત કરીએ તો આંધ્ર પ્રદેશના અમરાવતીમાં આ ઇંધણ ૯૭.૬ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. આ પછી કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં તે ૯૬.૪૧ રૂપિયા પ્રતિ લીટર, હૈદરાબાદમાં ૯૫.૬૩ રૂપિયા અને રાયપુરમાં ૯૩.૩૧ રૂપિયા પ્રતિ લીટર છે. ભાજપ શાસિત મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને બિહારમાં ડીઝલની કિંમત ૯૨ થી ૯૩ રૂપિયા પ્રતિ લીટર છે. ઓડિશા અને ઝારખંડમાં પણ ડીઝલની કિંમત સમાન છે.
આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ડીઝલ સૌથી સસ્તું છે. જ્યાં તે ૭૮ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. મેટ્રોપોલિટન શહેરોમાં દિલ્હીમાં સૌથી ઓછો વેટ છે. દિલ્હીમાં ડીઝલની કિંમત ૮૭.૬૬ રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ગોવામાં તેની કિંમત ૮૭.૭૬ રૂપિયા છે.
ઇંધણના ભાવમાં ઘટાડા અંગે ગોલ્ડમેન- સેક્સે કહ્યું છે કે સરકારી પેટ્રોલિયમ કંપનીઓનું નેટ માર્કેટિંગ માર્જિન ૧.૭-૨.૭ રૂપિયા પ્રતિ લીટરથી ઘટીને ૮૦-૯૦ પૈસા પ્રતિ લીટર થઇ જશે.