નેશનલ

Exit Pollsઃ ઉંધેકાંધ ખોટા પડ્યા બધા જ અનુમાનો, લોકશાહીમાં જનતા સર્વોપરી

નવી દિલ્હીઃ વર્ષ 2024ની ચૂંટણીએ ફરી એક્ઝિટ પોલ્સને તદન ખોટા સાબિત કર્યા છે. જનતાના મનમાં શું છે તે જનતા જ જાણે છે અને બે-પાંચસોના સર્વે દ્વારા તારણો કાઢવા ખોટા છે, તેવું આજના પરિણામો પરથી સાબિત થઈ રહ્યું છે.

મોટાભાગના એક્ઝિટ પોલ્સએ ભારતીય જનતા પાર્ટીને જ 300થી વધારે બેઠક આવવાની આગાહી કરી હતી અને કૉંગ્રેસ સહિતના ઈન્ડિયા ગઠબંધનને ખૂબ જ ઓછી એવી 140-150 બેઠક મળવાનો વરતારો આપ્યો હતો, પણ હાલના ટ્રેન્ડ પ્રમાણે એનડીએને 300 બેઠક મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે અને ઈન્ડિયા ગઠબંધન 230 આસપાસ બેઠક મેળવી રહ્યું છે. અમુક એક્ઝિટ પોલ્સમાં તો એનડીએને 380થી 400 સુધીની બેઠક પણ આપવામાં આવી હતી, પરંતુ તમામ ગણિત ખોટું પડ્યું છે. રાજ્યો પ્રમાણે પણ જોઈએ તો ઉત્તર પ્રદેશમાં એનડીએ 80માંથી 60 કરતા વધારે બેઠક જીતશે તેમ માનવામાં આવતું હતું, પરંતુ એનડીએએ 30થી 35 બેઠકથી સંતોષ માનવો પડશે જ્યારે મહારાષ્ટ્રમાં અનુમાન પ્રમાણે મહાયુતિ મહાઆઘાડી કરતા ઓછી બેઠકો મેળવી રહી છે. હરિયાણા, પંજાબ,રાજસ્થાન વગેરેમાં કૉંગ્રેસને ઘણો ફાયદો થયો છે.
એક્ઝિટ પોલ્સના આંકડાઓ પર નજર કરીએ તો આ પ્રમાણે બેઠકો મળવાનું અનુમાન હતું.

જનકી બાત :
NDA : 362-392
INDIA : 141-161
અન્ય : 10-20
PMARQ :-
NDA : 359
INDIA : 154
અન્ય : 30
Matrize :-
NDA : 353-368
INDIA : 118-133
અન્ય : 43-48
D-Dynamics :-
NDA : 371
INDIA : 125
અન્ય : 47
NDTV :-
NDA : 361
INDIA : 145
અન્ય : 37

એક્ઝિટ પોલ્સ જાહેર થયા બાદ રાહુલ ગાંધીએ આને મોદી મીડિયા પોલ્સ અને ફેન્ટસી પોલ્સ કહ્યા હતા જ્યારે ઘણા વિપક્ષી નેતાઓએ 4થી જૂને ચિત્ર કંઈક અલગ હશે તેમ કહ્યું હતું, જે વાત સાચી પડી છે. આ રીતે આવતા એક્ઝિટ પોલ્સ પરથી લોકો ધીમે ધીમે વિશ્વાસ ગુમાવી રહ્યા છે. જનતા જ લોકશાહીમાં સર્વોપરી હોય છે જે રાજકીય પક્ષો સાથે મીડિયા અને સર્વે કરતી એજન્સીએ પણ સમજવાની જરૂર છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button