નેશનલ

Exit Poll : એક્ઝિટ પોલ કઈ રીતે કરવામાં આવે છે? ભારતમાં પહેલી વાર એક્ઝિટ પોલ ક્યારે થયો? જાણો સંપૂર્ણ માહિતી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election)ના સાતમા અને અંતિમ તબક્કા માટે શનિવારના રોજ મતદાન થશે. હાલ દેશન ખૂણે ખૂણે ચૂંટણીના પરિણામો કેવા આવશે એ અંગે તર્ક વિતર્કો લગાવવામાં આવી રહ્યા છે. પરંતુ, કેટલાક જાણકાર વ્યક્તિઓ અને સંસ્થાઓ ડેટા અને રીસર્ચના આધારે ચૂંટણી પરિણામોની લગભગ ચોક્કસ આગાહી કરવાનો પ્રયત્ન કરે છે. અંગ્રેજીમાં તેમને Psephologist કહેવાય છે, Psephologist એક્ઝિટ પોલ તૈયાર કરે છે.

આ વિશ્લેષકો એક્ઝિટ પોલ દ્વારા જણાવે છે કે કોણ ચૂંટણી કોણ જીતી શકે છે અને કોની હાર થશે. એક્ઝિટ પોલ મતદાન કર્યા પછી બહાર નીકળી રહેલા મતદારોના મંતવ્યોને આધારે તૈયાર કરવામાં આવે છે. મતદારોને મતદાન શેના માટે કર્યું એ અંગે જરૂરી પ્રશ્નો પૂછવામાં આવે છે. મતગણતરીના આંકડા જાહેર થાય તે પહેલા આ એક્ઝિટ પોલ દ્વારા ચૂંટણીના પરિણામોને સમજવાનો પ્રયાસ કરવામાં આવે છે.

ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ વચ્ચે શું તફાવત છે?
ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. આ બંને ચૂંટણીના વિશ્લેષણની બે અલગ અલગ રીતો છે. ચૂંટણી પહેલા ઓપિનિયન પોલ કરવામાં આવે છે. જેમાં તમામ લોકોનો અભિપ્રાય લેવામાં આવે છે. આમાં સામેલ લોકો જે તે વિસ્તારના મતદાર હોય તે જરૂરી નથી. જ્યારે એક્ઝિટ પોલમાં એકત્રિત કરવામાં આવેલ ડેટા ચૂંટણીના દિવસે મતદાન પછીનો હોય છે.

ભારતમાં એક્ઝિટ પોલની પ્રથા ક્યારે શરૂ થઇ?
ભારતમાં પ્રથમ એક્ઝિટ પોલ 1957માં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ઓપિનિયન દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. આ સંસ્થાના વડા એરિક ડી’કોસ્ટાને ભારતમાં એક્ઝિટ પોલના પિતા માનવામાં આવે છે.
નેવુંના દાયકામાં એક્ઝિટ પોલ સેટેલાઇટ ટીવી દ્વારા લોકોના ઘર સુધી પહોંચતા થયા. દૂરદર્શને દિલ્હીમાં હાજર સેન્ટર ફોર સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ (CSDS)ને સમગ્ર દેશમાં ચૂંટણી સર્વેક્ષણ કરવા જણાવ્યું હતું. આ સાથે ભારતીય ચૂંટણીઓ અને ઈલેક્ટ્રોનિક મીડિયા સાથેના એક્ઝિટ પોલના સંબંધની આ શરૂઆત હતી.

એક્ઝિટ પોલમાં મતદારોને શું પૂછવામાં આવે છે?
એક્ઝિટ પોલમાં સામાન્ય રીતે મતદારની ઉંમર અને શિક્ષણ જેવી માહિતી પૂછવામાં આવે છે. આ સર્વેમાં એ પણ જોવામાં આવે છે કે આ ચૂંટણીમાં મતદાતા પહેલા કોને વોટ આપતા હતા અને કોને વોટ આપ્યો છે. જેમાં મતદાતાએ શા માટે કોઈ પક્ષને મત આપ્યો છે તે જાણવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે. કયા ચૂંટણી મુદ્દાએ તે મતદારને પ્રભાવિત કર્યા છે તે સમજવાનો પ્રયાસ કરવામાં આવે છે.

ચૂંટણી પંચે એક્ઝિટ પોલ માટે કયા નિયમો બનાવ્યા છે?
ચૂંટણી પંચે 1998માં એક્ઝિટ પોલ માટે કેટલીક માર્ગદર્શિકા જાહેર કરી હતી. પંચે અખબારો અને ટીવી ચેનલોને ચૂંટણી પ્રક્રિયા શરૂ ન થાય અને મતદાનનો અંતિમ તબક્કો પૂરો ન થાય ત્યાં સુધી એક્ઝિટ પોલ જાહેર કરવા પર રોક લગાવી હતી. સર્વેના સેમ્પલ સાઈઝની સાથે અન્ય માહિતી પણ આપવામાં આવશે.
આ અંગે મીડિયા અને ચૂંટણી પંચ સામસામે આવી ગયા હતા. મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. આ મામલામાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની ગાઈડલાઈન પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 126 (A) હેઠળ, મતદાન પ્રક્રિયા શરૂ થયાના 48 કલાક પહેલા ઓપિનિયન પોલ દર્શાવી શકાય છે. જ્યારે એક્ઝિટ પોલના ડેટા મતદાન પ્રક્રિયાના તમામ તબક્કાઓ પૂર્ણ થયા જાહેર કરી શકાય છે.

એક્ઝિટ પોલ બાબતે થયેલો વિવાદ:
વર્ષ 1999 ફરી એકવાર લોકસભાની ચૂંટણી થઇ, આ વખતે પણ ચૂંટણી પંચે તેની 1998ની માર્ગદર્શિકા બહાર પાડી. મીડિયા સંસ્થાઓએ આ નિયમોનું પાલન કરવાનો ઇનકાર કર્યો હતો. આ પછી ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે આ માર્ગદર્શિકાને ગેરબંધારણીય જાહેર કરી હતી.

આ પછી, 2004ની લોકસભા ચૂંટણીમાં, પંચે કાયદા મંત્રાલયની મદદથી, લોકોના પ્રતિનિધિત્વ કાયદાની કલમ 126 (A)માં સુધારો કર્યો. જેના કારણે છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થાય તે પહેલા એક્ઝિટ પોલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સુધારાનો હેતુ એ હતો કે ચૂંટણીને કોઈપણ રીતે પ્રભાવિત કરી શકાય નહીં.

ઘણા દેશોએ ચૂંટણી વિશ્લેષણ માટે સર્વે અને એક્ઝિટ પોલના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતની સાથે સાથે ઈટાલી, ફ્રાન્સ અને જર્મની સહિત અન્ય ઘણા દેશોમાં ચૂંટણીના અંતિમ મતદાન સુધી એક્ઝિટ પોલ જાહેર કરવા પર પ્રતિબંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ