Exit Poll 2024 : જમ્મુ-કાશ્મીરમાં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલના આંકડામાં સ્પષ્ટ થઇ સ્થિતિ
નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા સીટ પર ત્રણ તબક્કામાં મતદાન થયું છે. જ્યારે આજે કેન્દ્રશાસિત પ્રદેશના એક્ઝિટ પોલના(Jammu Kashmir Exit Poll)આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે કરવામાં આવેલા ઈન્ડિયા ટુડે-સીવોટર સર્વે મુજબ, ભાજપને જમ્મુ અને કાશ્મીરમાં 27 થી 32 બેઠક મળી શકે છે. કોંગ્રેસને 40 થી 48 બેઠકો મળી શકે છે. પીડીપીને 6થી 12 બેઠકો મળી શકે છે જ્યારે અન્યને 4થી 6 બેઠકો મળી શકે છે.
જમ્મુ-કાશ્મીરમાં પીપલ્સ પલ્સના સર્વે મુજબ કોંગ્રેસને 46થી 50 બેઠકો મળવાની સંભાવના છે.જ્યારે ભાજપને 23થી 27 બેઠકો મળવાની સંભાવના છે. પીડીપીને 7 થી 11 સીટો મળી શકે છે. જ્યારે 4 થી 6 બેઠકો અન્યને મળી શકે છે.
જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે દૈનિક ભાસ્કરના સર્વે અનુસાર, કોંગ્રેસને જમ્મુ-કાશ્મીરમાં 35-40 બેઠકો મળવાની ધારણા છે. જ્યારે ભાજપને 20-25 બેઠકો મળી શકે છે. તેમજ પીડીપીને 4-7 સીટો મળી શકે છે. આ સિવાય 12 થી 16 સીટો અન્યને જઈ શકે છે.
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે ત્રણ તબક્કામાં મતદાન થયું હતું. કેન્દ્ર દ્વારા 2019 માં પ્રદેશનો વિશેષ દરજ્જો રદ કર્યા પછી આ પ્રથમ ચૂંટણી હતી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, કેન્દ્રશાસિત પ્રદેશમાં કુલ 63.88 ટકા મતદાન થયું હતું. જેમાં પુરુષોની ભાગીદારી 64.68 ટકા અને મહિલાઓની ભાગીદારી 63.04 ટકા હતી.