સિક્કિમના પૂર્વ પ્રધાનનો મૃતદેહ પશ્ચિમ બંગાળની નહેરમાં તરતો મળી આવતા ખળભળાટ

સિલીગુડી: સિક્કિમ(Sikkim)ના ભૂતપૂર્વ પ્રધાન આરસી પૌડ્યાલ(RC Poudyal) નવ દિવસ પહેલા ભેદી સંજોગોમાં ગુમ થઇ ગયા હતા, ગઈ કાલે મંગળવારે પશ્ચિમ બંગાળના સિલિગુડી(Siliguri of West Bengal) નજીક એક નહેરમાંથી તેમનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.
પશ્ચિમ બંગાળ પોલીસના અધિકારીએ આપેલી માહિતી મુજબ 80 વર્ષીય આર સી પૌડ્યાલનો મૃતદેહ મંગળવારે ફુલબારી ખાતે તિસ્તા કેનાલમાં તરતો જોવા મળ્યો હતો. અધિકારીએ જણવ્યું કે “પ્રથમ દૃષ્ટિએ, એવી શંકા છે કે મૃતદેહ ઉપરવાસના વિસ્તારમાંથી તિસ્તા નદીમાં વહેતો નીચેની તરફ આવ્યો છે. ઘડિયાળ અને તેમણે પહેરેલા કપડાં દ્વારા તેમની ઓળખ કરવામાં આવી હતી.”
સિક્કિમ પોલીસે જણાવ્યું હતું કે આરસી પૌડ્યાલ 7 જુલાઈના રોજ પાક્યોંગ જિલ્લામાં તેમના વતન છોટા સિંગતમથી ગુમ થયા હતા, તમની શોધ માટે સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવી હતી, તેમના મૃત્યુની તપાસ કરવામાં આવશે.
આર સી પૌડ્યાલ પ્રથમ સિક્કિમ વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર હતા અને બાદમાં રાજ્યના વન વિભાગના પ્રધાન બન્યા હતા. રાઇઝિંગ સન પાર્ટીની સ્થાપના કરીને તેઓ 70 અને 80 ના દાયકાના અંતમાં સિક્કિમના રાજકારણમાં મહત્વના નેતા બન્યા હતા. તેઓ સિક્કિમની સાંસ્કૃતિક અને સામાજિક ગતિશીલતાની ગહન સમજ માટે પણ જાણીતા હતા.
સિક્કિમના મુખ્ય પ્રધાન પી.એસ.તમંગે જણાવ્યું કે, “પ્રતિષ્ઠિત વરિષ્ઠ રાજકીય નેતા આર.સી. પૌડ્યાલ જ્યુના આકસ્મિક નિધનથી મને આઘાત લાગ્યો, તેમણે સિક્કિમ સરકારમાં પ્રધાન પદ સહિત વિવિધ પદો પર સેવા આપી હતી અને ઝુલકે ગમ પાર્ટીના નેતા હતા.”