RBIના ભૂતપૂર્વ ગવર્નર વડાપ્રધાનના મુખ્ય સચિવ બન્યા; જાણો કોને સોંપાઈ જવાબદારી

નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ગવર્નર પદ પરથી નિવૃત થયાના થોડા મહિના બાદ જ શક્તિકાંત દાસ(Shaktikanta Das)ને મોટી જવાબદારી મળી છે. શક્તિકાંત દાસને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત (Chief Secretary of Prime Minister) કરવામાં આવ્યા છે. શક્તિકાંત દાસે 6 વર્ષ સુધી RBI ગવર્નર તરીકે સેવા આપી હતી, તેઓ ગયા વર્ષે ડિસેમ્બરમાં નિવૃત્ત થયા હતા, હવે તેઓ વડા પ્રધાનના મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવશે.
અપોઈન્ટમેન્ટ કમિટી ઓફ કેબિનેટ(ACC) એ જણાવ્યું હતું કે શક્તિકાંત દાસની નિમણૂક વડા પ્રધાનના કાર્યકાળ સાથે અથવા આગામી આદેશો સુધી, જે પણ વહેલું હોય ત્યારે સુધી સમાપ્ત થશે.
શક્તિકાંત દાસ ડિસેમ્બર 2018 થી છ વર્ષ સુધી RBI ના વડા રહ્યા. ચાર દાયકા લાંબી કારકિર્દીમાં તેમને વહીવટના વિવિધ ક્ષેત્રોમાં બહોળો અનુભવ છે. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં નાણાં, કરવેરા, ઉદ્યોગો, માળખાગત સુવિધાઓ વગેરે ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા છે.

આ પણ વાંચો : RBI ગવર્નર શક્તિકાંત દાસનો આજે પદ પર છેલ્લો દિવસ, વડા પ્રધાન અને નાણા પ્રધાનનો આભાર માન્યો
આ અધિકારીનો કાર્યકાળ પણ વધ્યો:
આ સાથે થિંક ટેન્ક નીતિ આયોગના CEO બીવીઆર સુબ્રમણ્યમનો કાર્યકાળ પણ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે, આ નવો કાર્યકાળ 24 ફેબ્રુઆરી, 2025 થી શરૂ થશે. 1987 બેચના નિવૃત્ત IAS અધિકારી બીવીઆર સુબ્રમણ્યમને ફેબ્રુઆરી 2023 માં બે વર્ષ માટે નીતિ આયોગના CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.