જંગલમાં નોનવેજ પાર્ટી કરતા પકડાયા પૂર્વ પ્રધાન, પોલીસે આપ્યા તપાસના આદેશ
મધ્યપ્રદેશ: મુખ્ય વન સંરક્ષક અસીમ શ્રીવાસ્તવએ વન્યજીવન કાર્યકર્તા અજય દુબેની ફરિયાદને પગલે મધ્યપ્રદેશના પૂર્વ વનપ્રધાન વિજય શાહ વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે. પૂર્વ વનપ્રધાન વિજય શાહ નર્મદાપુરમ પાસેના સાતપુડા ટાઇગર રિઝર્વમાં ખાનગી રીતે નિયમોનું ઉલ્લંઘન કરીને માંસાહારની મિજબાની માણી રહ્યા હોવાની ફરિયાદ દાખલ થઇ છે.
પૂર્વ વનપ્રધાનની આ પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થયો છે. તેમની સાથે અમુક વનવિભાગના કર્મચારીઓ પણ જંગલની વચ્ચે જ ચૂલો ઉભો કરીને તેમાં માંસાહારી વાનગીઓ પકાવતા, અન્ય કર્મચારીઓ વનપ્રધાનના સ્વાગત માટે ખુરશીઓ ગોઠવતા જોવા મળ્યા હતા. વીડિયોમાં પૂર્વ વનવિભાગના પ્રધાન પોતે ભોજનના વખાણ કરતા તેમજ ‘આ બેસ્ટ પિકનિક છે.’ તેવું કહેતા હોય તેમ કેટલાક વીડિયો જોનારા જણાવી રહ્યા છે.
વન્યજીવન કાર્યકર્તા અજય દુબેએ આ મામલે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પૂર્વ પ્રધાનને ખાનગી વાહનોમાં રોરીઘાટ સિદ્ધ બાબા પાસે લઇ ગયા હતા, જ્યાં તેમણે ચૂલા પર જ જમવાનું બનાવ્યું હતું, વનવિભાગના કર્મચારીઓ ખુરશીઓ ગોઠવતા અને પ્રધાનને જમવાનું પીરસતા વીડિયોમાં કેદ થયા હતા.
વનવિભાગના નિયમો મુજબ સંરક્ષિત વિસ્તારોમાં કોઇ આ પ્રકારે મિજબાની માણી શકે નહિ, કોઇ આગ-ચૂલો જલાવી શકે નહિ. દુબેએ ઉમેર્યું હતું કે પૂર્વ પ્રધાન અને તેમના મિત્રો પ્રતિબંધિત વિસ્તારમાં વાઘ જોવા પણ ગયા હતા અને વન વિભાગના વાહનો પણ ગેરકાયદે પાર્ક કરવામાં આવ્યા હતા, જે એક ગંભીર બેદરકારી છે. વન અધિકારીઓએ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ અને અન્ય કાયદાઓનું ઉલ્લંઘન કર્યું હતું. સાતપુડા ટાઇગર રિઝર્વમાં વાઘના શિકારની અનેક ઘટનાઓ બની છે અને આંતરરાષ્ટ્રીય શિકારીઓ સક્રિય છે, એવામાં ખુદ પ્રધાન દ્વારા જ ગેરકાયદેસર આચરણ કરવામાં આવે એ સખત સજાને પાત્ર છે.