અયોધ્યામાં ખોદકામ દરમિયાન મળી આવી પ્રાચિનકાળના મંદિરના અવશેષો…
અયોધ્યા: હાલમાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે અને દરરોજ આ મંદિરનું કામકાજ કેટલે પહોંચ્યું એના વિશેની માહિતી સામે આવતી જ હોય છે. હવે આ જ અનુસંધાનમાં એક મહત્વની બીજી માહિતી સામે આવી રહી છે. મળી રહેલી માહિતી પ્રમાણે મંદિરના નિર્માણકાર્ય દરમિયાન જ કરવામાં ખોદકામ વખતે પ્રાચીન મંદિરના અવશેષો મળી આવ્યા છે, તેમાં ઘણા બધા શિલ્પો અને સ્તંભોનો સમાવેશ થાય છે, એવું મંદિરના સુત્રો દ્વારા જણાવવામા આવ્યું હતું.
શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે ખુદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર એક પોસ્ટ કરીને આ બાબતની જાણકારી આપી હતી. આ પ્રાચિન અવશેષોના ફોટા પણ તેમણે પોતાની પોસ્ટમાં શેર કર્યા હતા. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા આ ફોટોમાં આ તમામ પ્રાચિન અવશેષો એકત્રિત કરીને રાખવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઘણી વખત ચંપત રાય મંદિરના નિર્માણની તસવીરો શેર કરી ચૂક્યા છે. હાલમાં આ રામ મંદિરના પ્રથમ માળનું નિર્માણ પૂર્ણતાની આરે પહોંચી ગયું છે.
અહીંયા તમારી જાણ માટે કે આ પહેલી વખત છે કે જ્યારે મંદિરના નિર્માણ સમયે ખોદકામ દરમિયાન મળી આવેલી પ્રાચીન વસ્તુઓના અવશેષ ફોટોગ્રાફ્સ જે જેમાં બારથી વધુ શિલ્પો, સ્તંભ, શિલાઓ વગેરેનો સમાવેશ થાય છે. પથ્થરની આ શિલાઓ પર દેવી દેવતાઓની આકૃતિ જોવા મળે છે. આ ઉપરાંત આ ફોટામાં મંદિરના સ્તંભો પણ જોવા મળી રહ્યા છે. આ બાબતે એવું કહેવામાં આવી રહ્યું છે કે ખોદકામ દરમિયાન મળેલા આ અવશેષો રામલલ્લાના ભવ્ય મંદિરમાં ભક્તોના દર્શન માટે રાખવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે જ્યારે મંદિરનું નિર્માણ શરૂ થયું ત્યારે લગભગ 40થી 50 ફૂટ ખોદકામ કરવામાં આવ્યું હતું. આ તમામ વસ્તુઓ મંદિર પરિસરના ખોદકામ વખતે મળી આવી છે, જે હિન્દુ પક્ષના દાવાને વધુ મજબૂત બનાવે છે. આ પહેલાં એએસઆઈના સર્વેક્ષણમાં પણ અનેક વસ્તુઓ મળી આવી હતી.