દરેક સૈનિક પરિવારના સભ્ય સમાન છેઃ રાજનાથ સિંહે કહી આ વાત
જમ્મુઃ કેન્દ્રીય સરંક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે જમ્મુના પ્રવાસે છે. રક્ષા પ્રધાનની આ મુલાકાત પૂંચમાં સેનાના વાહનો પર આતંકવાદીઓ દ્વારા ઓચિંતા હુમલામાં ચાર જવાનોના શહીદ થયાના થોડા દિવસો બાદ યોજાઈ હોવાથી ચર્ચાનો વિષય છે. જમ્મુ પહોંચતા જ સિંહે કહ્યું કે દરેક સૈનિક તેમના પરિવારના સભ્ય સમાન છે.
સિંહની મુલાકાતને લઈને સમગ્ર જમ્મુમાં સુરક્ષા કડક કરવામાં આવી છે. આ પહેલા આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાત લીધી હતી અને ત્યાંની સ્થિતિની સમીક્ષા કરી હતી. પૂંચમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલામાં ચાર જવાનોના શહીદ થયા બાદ સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવા રાજનાથ સિંહ આજે એક દિવસીય મુલાકાતે જમ્મુ પહોંચ્યા હતા. અધિકારીઓએ આ માહિતી આપી.
જમ્મુ એરપોર્ટ પર પહોંચ્યા પછી તરત જ, સંરક્ષણ પ્રધાન રાજૌરી-પુંચ સેક્ટર માટે રવાના થયા છે. જ્યાં તેઓ સુરક્ષા સ્થિતિ અને આતંકવાદ વિરોધી કામગીરીની સમીક્ષા કરવાના તેવી માહિતી મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પૂંચના બાફલિયાઝમાં 21 ડિસેમ્બરના રોજ ખેરા કી ગલી અને ધત્યાર મોર વચ્ચે ઓચિંતા હુમલા બાદ આ વિસ્તારમાં આતંકવાદ વિરોધી ઓપરેશન ચાલી રહ્યું છે. આ વિસ્તારમાં ચાલી રહેલા આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન 22 ડિસેમ્બરે 27 થી 42 વર્ષની વયના ત્રણ લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. જોકે આ મામલે અલગ અલગ માહિતી વહેતી થઈ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમને સેનાએ આતંકવાદી હોવાના શક હેઠળ ઉઠાવ્યા હતા અને તે બાદ તેઓ મૃત હાલતમાં મળ્યા. આ અંગે સત્તાવાર માહિતી હજુ મળી નથી.