23મી નવેમ્બરથી 15મી ડિસેમ્બર વચ્ચે દર સેકન્ડે ભારતીયો ખર્ચ કરશે આટલા લાખ રૂપિયા…
નવી દિલ્હીઃ દિવાળી પછી આપણે ત્યાં લગ્નસરાની સિઝન પૂરજોશમાં ખિલી ઉઠી છે અને એ પહેલાં લોકો કપડાંથી લઈને ઘરેણાં સુધી અનેક નાની મોટી ખરીદી કરે છે. આ શોપિંગ માત્ર વર-કન્યા પૂરતી જ સિમીત નથી હોતી, લગ્નમાં આવનાર દરેક લોકો શોપિંગ કરે છે.
આ જ કારણ છે કે દેશમાં લગ્નસરાની મોસમ ખુશી, હસી-મજાકની સાથે સાથે અબજો ડોલરનો બિઝનેસ પણ લઈને આવે છે. જો ભારતીય રૂપિયામાં આ બિઝનેસની વાત કરીએ તો આ આંકડો 4.25 લાખ કરોડ રૂપિયા જેટલો છે. આ સિઝનમાં, એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે લોકો આ વેડિંગ સિઝનમાં દર સેકન્ડે સરેરાશ 21 લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરી શકે છે. અહીંયા તમારી જાણ માટે આ અગાઉ આપવામાં આવેલા એક અંદાજમાં નવેમ્બરના અંત અને ડિસેમ્બરના મધ્ય સુધીમાં દેશમાં 35 લાખથી વધુ લગ્નો થશ એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
રિટેલર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના સીઈઓ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે લગ્ન સંબંધિત ખર્ચ જેવા કે ઘરેણાં, કપડાં, શૂઝ અને ડિઝાઈનર કપડા સંબંધિત બિઝનેસના વેચાણમાં નવેમ્બરથી જાન્યુઆરીના અંત સુધીમાં 8 ટકાથી 11 ટકા સુધીનો વધારો જોવા મળશે.
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા વ્યક્ત કરવામાં આવેલા એક અંદાજ પ્રમાણે 23મી નવેમ્બરથી 15મી ડિસેમ્બર દરમિયાન કુલ વેચાણ આશરે રૂ. 4.25 ટ્રિલિયન ($51 બિલિયન)નો આંકડો વટાવી જશે. આનો અર્થ એવો થાય છે કે આ સમયગાળા દરમિયાન લગ્નની ખરીદી પર દર સેકન્ડે ભારતીયો દ્વારા 21.37 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન સોનું પહેરવું અને ભેટ આપવી એ શુભ માનવામાં આવે છે અને પરિવારો તેમના લગ્નના બજેટનો મોટો ભાગ ઘરેણાં પર ખર્ચ કરે છે.
દેશમાં સોનાની વાર્ષિક માંગ લગભગ 800 ટન જેટલી છે. જેમાંથી અડધાથી વધુની ખરીદી લગ્નો માટે થાય છે. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો સોનાનો વપરાશ કરનાર દેશ છે. ટાઇટન કંપનીના તનિષ્ક, સેન્કો ગોલ્ડ લિમિટેડ, ત્રિભોવન દાસ ભીમજી ઝવેરી લિમિટેડ અને કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડને આ સમયગાળા દરમિયાન સૌથી વધુ ફાયદો થવાની અપેક્ષા છે.
એક પ્રસાર માધ્યમ સાથે વાત કરતાં મેટલ્સ ફોકસ લિમિટેડના મુખ્ય સલાહકારે જણાવ્યું હતું કે ઓક્ટોબર-ડિસેમ્બર દરમિયાન વેચાણ ગયા વર્ષની સરખામણીમાં સારું રહેશે. ઇઝરાયલ-હમાસ યુદ્ધને કારણે કિંમતોમાં વધારો લગ્નના ઘરેણાંની માંગ પર વધુ અસર કરશે નહીં. તેમણે કહ્યું કે ભારતીયો લગ્નના ઘરેણાં માટે મહિનાઓ સુધી બચત કરે છે. જો કિંમતોમાં 2 ટકા કે 3 ટકાનો વધારો થાય તો પણ તેની બહુ અસર નહીં જોવા મળે.