માઉન્ટ એવરેસ્ટ પર ચઢવાનું થયું મોંઘું, પરમિટ ફીમાં જંગી વધારો
કાઠમંડુઃ નેપાળે માઉન્ટ એવરેસ્ટ ચઢવા માટે પરમિટ ફીમાં ૩૬ ટકાનો જંગી વધારો કર્યો છે. તેમજ વિશ્વના સૌથી ઊંચા શિખર પર કચરાના પ્રદૂષણને નિયંત્રિત કરવાના હેતુથી કેટલાક પગલાં લેવાની શરૂઆત કરી છે. આ જાણકારી અધિકારીઓએ આપી હતી.
સુધારેલા પર્વતારોહણ નિયમો હેઠળ વસંત ઋતુ(માર્ચ-મે)માં સામાન્ય દક્ષિણ માર્ગ દ્વારા એવરેસ્ટ પર ચઢાણ કરનારા વિદેશીઓ માટે રોયલ્ટી ફી હાલના ૧૧,૦૦૦ ડોલર પ્રતિ વ્યક્તિથી વધારીને ૧૫,૦૦૦ અમેરિકન ડોલર કરવામાં આવી છે.
પ્રવાસન બોર્ડના ડિરેક્ટર આરતી નેઉપાના જણાવ્યા અનુસાર શરદ ઋતુ(સપ્ટેમ્બર-નવેમ્બર) માટે ચઢાણ ફી ૫,૫૦૦ અમેરિકન ડોલરથી વધીને ૭,૫૦૦ અમેરિકન ડોલર થઇ ગઇ છે. તો વળી શિયાળા(ડિસેમ્બર-ફેબ્રુઆરી) અને ચોમાસા(જૂન-ઓગસ્ટ) માટે પ્રતિ વ્યક્તિ પરમિટ ફી ૨,૭૫૦ અમેરિકન ડોલરથી વધીને ૩,૭૫૦ થઇ ગઇ છે. આ અંગે કેબિનેટનો નિર્ણય લેવાઇ ચૂક્યો છે, જો કે સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.
આ પણ વાંચો: માઉન્ટ એવરેસ્ટનું બે વાર આરોહણ કરનાર પ્રથમ મહિલા સંતોષ યાદવ
તેમણે વધુમાં જણાવ્યું કે ૮૮૪૮.૮૬ મીટર ઊંચા શિખર પર ચઢવા માટેની નવી ફી ૧ સપ્ટેમ્બર, ૨૦૨૫થી લાગુ થશે. નેપાળ ગેઝેટમાં પ્રકાશિત થયા બાદ મંત્રીમંડળ દ્વારા મંજૂર કરાયેલા સુધારેલા નિયમો અમલમાં આવશે.
જો કે એવરેસ્ટ ચઢવા માંગતા નેપાળી પર્વતારોહકો માટે રોયલ્ટી શરદ ઋતુ માટે વર્તમાન ૭૫,૦૦૦થી બમણી કરીને રૂા. ૧૫૦,૦૦૦ કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.
પર્યટન મંત્રાલયના સંયુક્ત સચિવ ઇન્દુ ધિમિરે જણાવ્યું કે સુધારેલા નિયમો હેઠળ આગામી વસંત ઋતુથી એવરેસ્ટ પર્વતારોહકોએ કચરાના યોગ્ય નિકાલ માટે તેને બેઝ કેમ્પમાં પાછો લાવવો પડશે. પર્વતારોહકોએ ઉપરના વિસ્તારોમાં કચરો એકઠો કરવા માટે બાયોડિગ્રેડેબલ બેગ સાથે રાખવી પડશે.