આખરે મહુઆ મોઈત્રાએ સરકારી બંગલો ખાલી કર્યો
નવી દિલ્હી: બંગલો ખાલી કરાવવાની કાર્યવાહી પર સ્ટે આપવાની તેમની અરજી દિલ્હી હાઈ કોર્ટે નકારી કાઢ્યા બાદ લોકસભાના બરતરફ કરાયેલા સાંસદ મહુઆ મોઈત્રાએ આખરે શુક્રવારે સરકારી બંગલો ખાલી કર્યો હતો.
ટીએમસીના ભૂતપૂર્વ સાંસદ મોઈત્રાના વકીલ સાદાન ફરાસતે કહ્યું હતું કે સંબંધિત વહીવટકર્તાઓ આવી પહોંચ્યા તે અગાઉ જ એટલે કે શુક્રવારે સવારે ૧૦:૦૦ વાગ્યા સુધીમાં ટેલિગ્રાફ લેન પર આવેલો બંગલા નંબર-૯૮ ખાલી કરી દેવામાં આવ્યો હતો. યુનિયન હાઉસિંગ ઍન્ડ અર્બન અફેર્સ મિનિસ્ટ્રી હેઠળ આવતા ડિરેક્ટરેટ ઑફ એસ્ટેટ્સ (ડીઓઈ)એ સવારે બંગલો ખાલી કરાવવા ટીમ મોકલી હતી.
અગાઉ આ અઠવાડિયે ડીઓઈએ મોઈત્રોને બંગલો ખાલી કરાવવાને લગતી નૉટિસ પાઠવી હતી.
સત્તાવાર રીતે ડીઓઈને બંગલાનો કબજો આપી દેવામાં આવ્યો હતો. બંગલાને કોઈ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે કે કેમ તેની તપાસ અમે કરી રહ્યા છીએ, એમ અધિકારીઓએ કહ્યું હતું.
મોહીત્રા ગુરુવારે હાઈ કોર્ટમાંથી આ મામલે કોઈ પણ પ્રકારની રાહત મેળવવામાં નિષ્ફળ ગયા હતા.
હાઈ કોર્ટે મોઈત્રાની અરજી નકારી કાઢી હતી અને ડીઓઈની નોટિસ પર સ્ટે આપવાનું નકારી કાઢ્યું હતું.
ગયા વર્ષની આઠ ડિસેમ્બરે મોઈત્રાને લોકસભામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.
બંગલાની ફાળવણી રદ કરવામાં આવી હોવાનું જણાવી મોઈત્રાને સાત જાન્યુઆરી સુધીમાં બંગલો ખાલી કરવા જણાવી દેવામાં આવ્યું હતું. (એજન્સી)