વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન વચ્ચે ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર ડેવિડ વિલીએ લીધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ
નવી દિલ્હી: આઇસીસી ક્રિકેટ વન-ડે વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન વચ્ચે ઇગ્લેન્ડ ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ડેવિડ વિલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ડેવિડ વિલીએ કહ્યું હતું કે, ભારતમાં આયોજિત વર્લ્ડ કપ ૨૦૨૩ પછી તે નિવૃત્તિ લેશે. વિલીના નિર્ણય પાછળનું એક મહત્ત્વનું કારણ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ તરફથી કેને વાર્ષિક કરાર ન મળવાનું માનવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે વિલી હાલમાં ૩૩ વર્ષનો છે. ડેવિડ વિલીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જાહેરાત કરી હતી. તેણે આ નિર્ણયને ખૂબ જ મુશ્કેલ ગણાવ્યો હતો. વિલીએ લખ્યું, ‘હું ક્યારેય ઇચ્છતો ન હતો કે આ દિવસ આવે. નાનપણથી જ મેં ઈંગ્લેન્ડ માટે ક્રિકેટ રમવાનું માત્ર સપનું જ જોયું છે, ઘણું વિચાર્યા બાદ મને અફસોસ સાથે લાગે છે કે વર્લ્ડ કપના અંતે મારા માટે તમામ પ્રકારના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો સમય આવી ગયો છે. હું વિશ્ર્વના કેટલાક શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે આવી અવિશ્ર્વસનીય વ્હાઇટ બોલ ક્રિકેટ રમ્યો છું તેના માટે હું ખૂબ જ ભાગ્યશાળી રહ્યો છું. મેં કેટલીક ખાસ યાદો અને અદ્ભુત મિત્રો બનાવ્યા છે અને કેટલાક ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થયો છું.’ વિલીએ વર્તમાન વર્લ્ડ કપમાં પોતાની ત્રણ મેચમાં પાંચ વિકેટ ઝડપી છે. વિલીએ અત્યાર સુધી તેણે ૭૦ વન-ડે મેચમાં ૯૪ અને ૪૩ ટી-૨૦ મેચમાં ૫૧ વિકેટ ઝડપી છે.