થેંક યુઃ તમે ન હોત તો રોડ, રસ્તા,ઘર, કૉમ્પ્યુટર, મોબાઈલ કંઈ ન હોત
કમનસીબે આપણે દેશમાં રાજકારણી, ક્રિકેટર્સ કે ફિલ્મસ્ટારની વાહવાહી થાય છે અને આપણે સૌ તેમની પાછળ પાગલ હોઈ છીએ, પરંતુ જે વ્યાવસાયિકોને લીધે દેશ ઊભો થયો છે, તેમના વિશે જાણવાનું કે તેમની સરાહના કરવાની તસ્દી આપણે લેતા નથી. આજે એ લોકોનો દિવસ છે, જેમના વિના રોડ, રસ્તા, ઘર, રેલવે, બ્રિજ, વાહનો, કૉમ્પ્યુટર કે મોબાઈલ બન્યા ન હોત. આજે એન્જિનિયર્સ ડે છે. તો આવો જાણીએ ભારતમાં આજે એન્જિનિયર્સ ડે શા માટે ઉજવાય છે.
એમ વિશ્વેશ્વરાયનું પૂરું નામ મોક્ષગુંડમ વિશ્વેશ્વરાય હતું. તેઓ દેશના પ્રથમ સિવિલ એન્જિનિયર તરીકે જાણીતા છે. તેમના જન્મદિવસની તારીખને રાષ્ટ્રીય એન્જિનિયર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
એન્જિનિયરોને રાષ્ટ્રના નિર્માતા કહેવામાં આવે છે. કોઈપણ પ્રોજેક્ટમાં ડિઝાઇનિંગથી લઈને તેના બાંધકામ સુધી એન્જિનિયર્સ મોટી ભૂમિકા ભજવે છે. આવા એન્જિનિયરોને સન્માનિત કરવા માટે, ભારતમાં દર વર્ષે 15 સપ્ટેમ્બરના રોજ નેશનલ એન્જિનિયર્સ ડે ઉજવવામાં આવે છે. પરંતુ આ દિવસની ઉજવણી માટે 15 સપ્ટેમ્બરની તારીખ કેમ પસંદ કરવામાં આવી તેની પાછળ એક ખાસ કારણ છે.
ખરેખર, 15મી સપ્ટેમ્બરે એમ વિશ્વેશ્વરાયની જન્મજયંતિ છે. તેઓ એક મહાન એન્જિનિયર હતા. એમ વિશ્વેશ્વરાયનું પૂરું નામ મોક્ષગુંડમ વિશ્વેશ્વરાય હતું. તેમને સર એમ.વી. તરીકે પણ ઓળખવામાં આવે છે. સર એમ.વી.ને ભારતના પ્રથમ સિવિલ એન્જિનિયર હતા. દેશ પ્રત્યેના તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને, તેમના જન્મદિવસની તારીખને એન્જિનિયર ડે તરીકે પસંદ કરવામાં આવી હતી. દર વર્ષે એન્જિનિયર્સ ડેની નવી થીમ નક્કી કરવામાં આવે છે.
દર વર્ષે ભારતમાં રાષ્ટ્રીય ઇજનેર દિવસની ઉજવણી માટે એક અલગ થીમ નક્કી કરવામાં આવે છે. આ વર્ષે 2023માં, નેશનલ એન્જિનિયર્સ ડે 2023 ની થીમ એન્જિનિયરિંગ ફોર સસ્ટેનેબલ ફ્યુચર છે.
જોકે છેલ્લા અમુક વર્ષોથી દેશમાં યુવાનોનો એન્જિનિયરિંગ તરફનો ઝૂકાવ ઘટ્યો છે. ગુજરાત સહિત દેશભરમાં એન્જિનિયરિંગ કૉલેજની જગ્યાઓ ખાલી રહે છે. આનું એક કારણ સારી રોજગારીની તકોનો અભાવ છે અને આ સાથે ગલી ગલીએ એન્જિનિયરિંગની ખૂલી ગયેલી કૉલેજોને લીધે શિક્ષણની ગુણવત્તાનું સ્તર કથળ્યું છે, તે પણ છે. જોકે કોઈ પણ દેશના ઔદ્યોગિક અને માળખાકીય વિકાસ માટે એન્જિનિયરની ભૂમિકા અત્યંત મહત્વની છે ત્યારે દેશના નિર્માણમાં અમૂલ્ય ફાળો આપનારા તમામ એન્જિનિયર્સનો આજના દિવસે આભાર માનવો જ રહ્યો.