
નવી દિલ્હી: મુંબઈથી અમદાવાદ જઈ રહેલી અકાસા એરની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી અથવા પ્રતિકૂળ સંજોગોને કારણે મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આજે સવારે 8:40 વાગ્યે મુંબઈથી ઉપડેલી ફ્લાઈટ QP 1781 અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરવામાં નિષ્ફળ રહી હતી. આ વિમાનમાં બોલીવુડના જાણીતા અભિનેતા ઈમરાન હાશ્મી પણ સવાર હતા, જે પોતાની આગામી વેબસિરીઝ ‘તસ્કરી’ના પ્રમોશન માટે અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે ફ્લાઈટનો કડવો અનુભવ થયો હતો.
મળતી માહિતી મુજબ બોઈંગ 737 મેક્સ 8 વિમાને સવારે દસ વાગ્યે અમદાવાદમાં ઉતરાણ કરવાનું હતું. પાઇલટે બે વાર લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા નહીં મળતા બંને વખતે વિમાનને અધવચ્ચેથી જ ફરી હવામાં લઈ જવું પડ્યું હતું. વારંવારના નિષ્ફળ પ્રયાસોને કારણે મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. અંતે સાવચેતીના ભાગરૂપે ફ્લાઈટને જયપુર એરપોર્ટ પર ઈમરન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, જ્યાં મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, બોમ્બની ધમકીથી ફફડાટ…
ઈમરાન હાશ્મી આ દિવસોમાં તેમની હાઈ-પ્રોફાઈલ વેબ સિરીઝ તસ્કરી: ધ સ્મગર્લ્સ વેબના પ્રમોશનમાં બિઝી છે. આ સિરીઝમાં તેઓ પ્રથમ વખત કસ્ટમ ઓફિસરની ભૂમિકા ભજવી રહ્યા છે. ઈમરાને તાજેતરમાં જણાવ્યું હતું કે ભારતીય સિનેમામાં સ્મગલિંગના આટલા ઊંડા નેટવર્કને અગાઉ ક્યારેય આટલી બારીકાઈથી દર્શાવવામાં આવ્યું નથી. સિરીઝની વાર્તા સાંભળતા જ તેમણે આ પ્રોજેક્ટ માટે હા પાડી દીધી હતી, કારણ કે તેનો નવો અનુભવ હતો.
નિર્દેશક નીરજ પાંડે દ્વારા નિર્દેશિત આ સીરીઝ આંતરરાષ્ટ્રીય સ્મગલિંગની રોમાંચક દુનિયા પર આધારિત છે, જેમાં મિલાન, બેંગકોક અને અદીસ અબાબા જેવા શહેરોમાં ફેલાયેલા ડ્રગ્સ અને હથિયારોના ગેરકાયદે વેપાર, કોડ લેંગ્વેજ અને નકલી દસ્તાવેજોના ખતરનાક નેટવર્કને જીવંત કરવામાં આવ્યું છે.



