એર ઈન્ડિયાની ફ્લાઈટમાં અચાનક ઈમરજન્સી સિસ્ટમ એક્ટિવ, ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું

અમૃતસર: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ વિમાની તકનીકીઓ પર ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહી છે. ત્યારે એર ઇન્ડિયાની (Air India) અમૃતસરથી બર્મિંગહામ જઈ રહેલી ફ્લાઇટ AI117 માં ટેક્નિકલ ખામીને કારણે મોટી ઘટના બની હતી. વિમાનની લેન્ડિંગના થોડા સમય પહેલાં જ તેનું ઇમરજન્સી રેમ એર ટરબાઇન (RAT) સિસ્ટમ અચાનક સક્રિય થઈ ગયું હતું. જોકે, તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે અને વિમાને બર્મિંગહામ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરી હતી.
એર ઇન્ડિયા દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, “ફ્લાઇટ AI117ના ઑપરેટિંગ ક્રૂને લેન્ડિંગ પહેલાં RATના ડિપ્લોયમેન્ટની જાણ થઈ હતી. પ્રાથમિક તપાસમાં તમામ ઇલેક્ટ્રિકલ અને હાઇડ્રૉલિક પરિમાણો સામાન્ય જણાયા હતા.”
આ ઘટના બાદ એરલાઇને સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર (SOP) હેઠળ વિમાનને વિગતવાર તપાસ માટે તાત્કાલિક ગ્રાઉન્ડ કરી દીધું છે. આના કારણે બર્મિંગહામથી દિલ્હી આવનારી વળતી ફ્લાઇટ AI114 ને રદ્દ કરવામાં આવી છે. એર ઇન્ડિયાએ કહ્યું છે કે પ્રભાવિત મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. એર ઇન્ડિયાના પ્રવક્તાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “અમારા મુસાફરો અને ક્રૂની સુરક્ષા અમારી પહેલી પ્રાથમિકતા છે. તમામ સિસ્ટમ સામાન્ય હોવા છતાં, અમે વિગતવાર નિરીક્ષણ કરી રહ્યા છીએ.”
આ પણ વાંચો…રવિના ટંડને એર ઈન્ડિયા આપી સલાહઃ અક્સા એરલાઈન્સ જેવા નિયમો બનાવવા આપી સલાહ