
નવી દિલ્હી: ઈલોન મસ્કની માલિકીની ઇલેક્ટ્રિક વ્હિકલ (EV) નિર્માતા કંપની ટેસ્લા ઇન્કોર્પોરેશન (Tesla Inc) ભારતમાં પ્લાન્ટ શરુ કરવા કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટો કરી રહી છે, એવામાં Tesla Inc એ દિલ્હી હાઇકોર્ટમાં ગુરુગ્રામ સ્થિત ટેસ્લા પાવર ઇન્ડિયા લિમિટેડ(Tesla Power India Ltd) સામે ટ્રેડમાર્ક ઉલ્લંઘનનો કેસ દાખલ કર્યો છે.
ટેસ્લા ઇન્કોર્પોરેશનએ ભારતીય કંપની પર “ટેસ્લા પાવર” અને “ટેસ્લા પાવર યુએસએ” નામનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો છે.
ટેસ્લા ઇન્કોર્પોરેશને કોર્ટને જણાવ્યું કે અમને જાણવા મળ્યું કે ભારતીય કંપની 2022થી તેની બ્રાન્ડના નામનો ઉપયોગ કરી રહી છે અને અમે તેને આમ કરવાથી રોકવાનો પ્રયાસ કર્યો, હવે અમારે દાવો દાખલ કરવાની ફરજ પડી છે.
ટેસ્લા ઇન્કે કોર્ટને જણાવ્યું હતું કે, “.. પ્રતિવાદી (ટેસ્લા પાવર) ને 18મી એપ્રિલ 2022 ના રોજ નામનો ઉપયોગ બંધ કરવાની નોટિસ મોકલવામાં આવી હતી. પ્રતિવાદીઓએ તેમના ઉત્પાદનોની જાહેરાત અને માર્કેટિંગ કરવાનું ચાલુ રાખ્યું હોવાથી, હાલનો દાવો દાખલ કરવામાં આવ્યો છે.”
આ આરોપોના બચાવમાં, ટેસ્લા પાવરે કોર્ટને જણાવ્યું હતું કે કંપનીનો EVનું ઉત્પાદન કરવાનો કોઈ ઈરાદો નથી અને કંપની અન્ય એન્ટિટીના ઈવીને તેમના ટ્રેડમાર્ક અને ટ્રેડનેમ ‘ટેસ્લા પાવર યુએસએ’ અથવા ‘ટેસ્લા’ શબ્દનો ઉપયોગ કરી માર્કેટિંગ કરશે નહીં.
ટેસ્લા ઇન્ક.એ કોર્ટને જણાવ્યું હતું કે કસ્ટમર્સ ટેસ્લા ઇન્ક સાથે સંકળાયેલા હોવાનું માનીને ભૂલથી ટેસ્લા પાવરની બેટરી ખરીદી રહ્યા છે.
હાઈ કોર્ટે કહ્યું કે Tesla Inc.એ આ બાબતે કોઈ તાકીદ દર્શાવી નથી, જ્યારે કે તે તેના ટ્રેડમાર્કના કથિત ગેરકાયદેસર ઉપયોગને બાબતે 2020 થી ટેસ્લા પાવર સાથે વાતચીત કરી રહી હતી.
ટેસ્લા પાવરે દલીલ કરી હતી કે તે EV બેટરીનું ઉત્પાદન કરતી નથી પરંતુ પરંપરાગત વાહનો અને ઇન્વર્ટરમાં વપરાતી લીડ-એસિડ બેટરીઓનું વેચાણ કરે છે.
દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશે ભારતીય કંપની ટેસ્લા પાવરને તેના બચાવના સમર્થનમાં લેખિત જવાબો સબમિટ કરવા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો છે.
કેસની આગામી સુનાવણી 22 મેના રોજ રાખવામાં આવી છે.
એક મીડિયા રીપોર્ટમાં ટેસ્લા પાવરના પ્રતિનિધિને ટાંકીને લખવામાં આવ્યું છે કે તેમની કંપની મસ્કની ટેસ્લા પહેલાથી જ હાજર છે અને તેની પાસે તમામ સરકારી મંજૂરીઓ છે.
ઈલોન મસ્ક 21 એપ્રિલે ભારતની મુલાકાતે અવાવવાના હતા, પરંતુ તેમણે પ્રવાસ રદ કર્યો હતો. એક અઠવાડિયા પછી, મસ્ક એડવાન્સ ડ્રાઇવર પેકેજ માટે ચીનની ઓચિંતી મુલાકાત પહોંચ્યા હતા.