Safety: બાંધવગઢ ટાઇગર રિઝર્વમાં સેટેલાઇટ કોલરથી હાથીઓ પર રખાશે નજર

ભોપાલઃ મધ્ય પ્રદેશના બાંધવગઢ ટાઈગર રિઝર્વ (બીટીઆર)માં તાજેતરમાં 10 હાથીઓના મોત પછી મધ્ય પ્રદેશ વન વિભાગ હાથીઓની હિલચાલને ટ્રેક કરવા માટે સેટેલાઇટ કોલરનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યું છે. એક અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી હતી.
ગયા મહિને હાથીઓના મોત બાદ રાજ્ય સરકાર અનેક પગલાંની જાહેરાત કરી રહી છે. મુખ્ય પ્રધાન મોહન યાદવે અગાઉ જાહેરાત કરી હતી કે મધ્યપ્રદેશના વન અધિકારીઓને હાથીઓની વધુ વસ્તી ધરાવતા અન્ય રાજ્યમાં તાલીમ માટે મોકલવામાં આવશે.
રાજ્યના ઉમરિયા જિલ્લામાં 29 ઓક્ટોબરે બીટીઆરની ખલીલ રેન્જ હેઠળના સાંખની અને બકેલીમાં ચાર જંગલી હાથીઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા, જ્યારે 30 ઓક્ટોબરે ચાર અને 31 ઓક્ટોબરના રોજ બે હાથીના મોત થયા હતા.
મીડિયાના અહેવાલ અનુસાર રાજ્યના અધિક મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) એલ કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે, ‘અમે તમિલનાડુ પાસેથી બે સેટેલાઇટ કોલર મંગાવ્યા છે, જે આ અઠવાડિયે મધ્યપ્રદેશ પહોંચવાની અપેક્ષા છે.
આ પણ વાંચો : દિવાળીના દિવસે જ માઠા સમાચારઃ મધ્ય પ્રદેશના બાંધવગઢમાં આઠ હાથીના મોત
અમે તેમને બીટીઆરમાં બે હાથીઓને લગાવીને તેની શરૂઆત કરીશું. તેમણે કહ્યું કે વિભાગ રાજ્યના તમામ 150 જંગલી હાથીઓ પર સેટેલાઇટ કોલર લગાવવાની યોજના બનાવી રહ્યું છે. કૃષ્ણમૂર્તિ રાજ્યમાં હાથીઓની સારસંભાળ રાખવા માટે બે દિવસ પહેલા રચાયેલી નવ સભ્યોની હાથી સલાહકાર સમિતિના વડા છે.
દસ હાથીઓના મૃત્યુની તપાસમાં ખુલાસો થયો હતો કે તેમના આંતરડામાં ન્યૂરોટોક્સિન સાયક્લોપિયાઝોનિક એસિડ હતું પરંતુ આ ‘ઝેર’નો કેસ નથી. વરિષ્ઠ અધિકારીએ અગાઉ કહ્યું હતું કે વિસરા રિપોર્ટમાં જાણવા મળ્યું કે કોડો બાજરીના છોડ વધુ પડતા ખાવાથી ઝેર બન્યું હશે. તપાસ ટીમના અહેવાલના આધારે મુખ્યપ્રધાને કથિત બેદરકારી માટે બે વરિષ્ઠ રિઝર્વ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા.