એક તો 47 ડિગ્રીનો પારો અને તેમાં પણ વીજળી ગુલ, દેશની રાજધાની થઈ બેહાલ

દિલ્હી: અભૂતપૂર્વ હીટવેવ અને ગંભીર જળ સંકટના બેવડા મારને કારણે પીસાઈ રહેલી દિલ્હીની જનતાની મુશ્કેલીઓ વધી છે. દિલ્હીની જનતાને આજે બપોરે વધુ એક ફટકો પડ્યો છે. દિલ્હીને 1,500 મેગાવોટ વીજળી સપ્લાય કરતા યુપીના મંડોલામાં પાવર ગ્રીડમાં આગ લાગવાને કારણે, શહેરના ઉત્તર ભાગમાં લગભગ 2:11 વાગ્યાથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો (Electricity Outage In Delhi) છે.
દિલ્હી શહેરમાં આજે બપોરે તાપમાન 42 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું, ત્યારે વીજ પુરવઠો ખોરવાતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.
દિલ્હીના ઉર્જા પ્રધાન આતિશીએ જણાવ્યું હતું “આજે બપોરે 2:11 વાગ્યાથી દિલ્હીના ઘણા ભાગોમાં મોટો પાવર કટ નોંધાયો છે. યુપીના મંડોલામાં એક પાવર ગ્રીડ, જે દિલ્હીને 1,500 મેગાવોટ વીજળી પૂરી પાડે છે, તેમાં આગ લાગી છે. અમે તેને અમારા અન્ય પાવર સોર્સ સાથે જોડી રહ્યા છીએ.”
આતિશીએ કહ્યું કે “હું આજે નવા કેન્દ્રીય ઉર્જા પ્રધાન સાથે એપોઇન્ટમેન્ટ માંગીશ કારણ કે દેશનું પાવર ટ્રાન્સમિશન કેન્દ્ર સરકાર સંભાળે છે.”
આતિશીએ કેન્દ્રની ટીકા કરતા કહ્યું, “આ ચિંતાજનક છે કે રાષ્ટ્રીય સ્તરનું પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે પડી ભાંગ્યું ગયું છે. દેશની રાજધાનીમાં રાષ્ટ્રીય ગ્રીડનું ફેઈલ થઇ જવું ખૂબ જ ચિંતાજનક છે. જ્યારે દિલ્હીની પીક પાવર ડિમાન્ડ 8,000 મેગાવોટ પર પહોંચી એવા સમયે જ રાષ્ટ્રીય ઈન્ફ્રાસ્ટ્રક્ચરની નિષ્ફળતાને કારણે પાવર કટ થયો હતો.”
લોકો આઉટેજ વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ફરિયાદ કરી રહ્યા છે.
એક યુઝરે દિલ્હીની વીજળી સંસ્થા BSES ને ટેગ કરીને પોસ્ટ કર્યું “પૂર્વીય દિલ્હી વિવેક વિહારમાં વીજળી નથી. કૃપા કરીને સમસ્યાનું નિરાકરણ કરો. સહન કરવું મુશ્કેલ છે,”
બીજા યુઝરે કહ્યું કે “પ્રિય BSES, યમુના વિહાર C2 બ્લોકમાં બે કલાકથી વીજળી નથી. આ દિલ્હી છે! મહેરબાની કરીને મારી સાથે બદલો ન લો.”
અન્ય યુઝરે લખ્યું કે કર્યું: “રામ નગર, શાહદરા, દિલ્હી 110032, શેરી નંબર 10માં છેલ્લા બે કલાકથી વીજળી નથી. શા માટે??????????”
દિલ્હી લગભગ એક મહિનાથી તીવ્ર હીટ વેવમાંથી પસાર થઇ રહ્યું છે અને તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસથી વધી ગયું નોંધાયું હતું.