ઈલેક્ટોરલ બોન્ડની બંધારણીય માન્યતા પર આજે સુપ્રીમ કોર્ટનો ચુકાદો, જાણો શું છે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ
નવી દિલ્હીઃ ચૂંટણી બોન્ડ યોજનાની માન્યતાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપવાની છે, જેના પર બધા રાજકીય પક્ષોની નજર છે. ગયા વર્ષે નવેમ્બરમાં, CJI ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી અને પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
સરકાર દ્વારા 2 જાન્યુઆરી 2018ના રોજ ચૂંટણી બોન્ડ રજૂ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલો ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ સાથે સંબંધિત છે જે રાજકીય પક્ષોને બેનામી દાન મેળવવાની મંજૂરી આપે છે. રાજકીય પક્ષોને મળતા દાનમાં પારદર્શિતા લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 2018 માં ચૂંટણી બોન્ડ યોજના સૂચિત કરવામાં આવી હતી.
આ યોજનાની જોગવાઈઓ અનુસાર, ભારતના કોઈપણ નાગરિક અથવા દેશમાં સ્થાપિત કોઈપણ એન્ટિટી દ્વારા ચૂંટણી બોન્ડ ખરીદી શકાય છે. કોઈપણ વ્યક્તિ એકલી અથવા સંયુક્ત રીતે અન્ય વ્યક્તિ સાથે ચૂંટણી બોન્ડ ખરીદી શકે છે. આ યોજનાની અન્ય જોગવાઇ અનુસાર એ રાજકીય પક્ષો જ આ બોન્ડ મેળવી શકે છે, જે લોકો પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 29A હેઠળ નોંધાયેલા છે અને જેમને છેલ્લી લોકસભા અથવા રાજ્યની ચૂંટણીમાં એક ટકાથી વધુ મત મળ્યા છે. ઇલેક્ટોરલ બોન્ડ રૂ.1,000 થી રૂ.1 કરોડની માત્રામાં ઉપલબ્ધ છે, જેને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની તમામ શાખાઓમાંથી મેળવી શકાય છે. આ દાન વ્યાજમુક્ત છે.
ચૂંટણી બોન્ડની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં દાતાની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે. જ્યારે કોઇ વ્યક્તિ અથવા સંસ્થા આ બોન્ડ ખરીદે છે, ત્યારે તેમની ઓળખ જાહેર જનતા અથવા નાણાં મેળવનાર રાજકીય પક્ષને જાહેર કરવામાં આવતી નથી. જો કે, સરકાર અને બેંકો ઓડિટીંગ હેતુઓ માટે ખરીદનારની વિગતોનો રેકોર્ડ જાળવી રાખે છે.