ચૂંટણી બોન્ડ આવ્યા બાદ પણ કાળા નાણાની લેવડ-દેવડ યથાવત…
નવી દિલ્હી: ચૂંટણી બોન્ડ યોજના પર સુપ્રીમ કોર્ટમાં ચર્ચા ચાલુ છે અને બુધવારે કેન્દ્ર સરકારે તેની દલીલો રજૂ કરી. સુપ્રીમ કોર્ટમાં ચર્ચા દરમિયાન અરજદારોએ દલીલ કરી હતી કે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમથી શાસક પક્ષને સૌથી વધુ ફાયદો થયો છે. તેના પર કેન્દ્ર સરકારે કહ્યું હતું કે સત્તાધારી પક્ષ માટે વધુ ફાળો મેળવવો એ પરંપરા છે. ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે શાસક પક્ષને જ સૌથી વધુ દાન મળે છે.
અને ચૂંટણી બોન્ડ આવ્યા બાદ પણ કાળા નાણાની લેવડ દેવડ થાય છે. તેના પર સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે હું આ બાબતમાં કોઈ અનુમાન લગાવી શકીશ નહીં પરંતુ આંકડાઓ કહે છે કે જે પણ પાર્ટી સત્તામાં હતી તેને કદાચ વધુ દાન મળ્યું છે.
અગાઉ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે ભારત સહિત લગભગ દરેક દેશ ચૂંટણીમાં કાળા નાણાનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાના કારણે ચૂંટણીમાં ગેરકાયદે નાણાંના જોખમને દૂર કરવા માટે ચૂંટણી બોન્ડ યોજના એક સારો પ્રયાસ છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કેન્દ્ર તરફથી દલીલ કરતા કહ્યું હતું કે કાળા નાણાને ચૂંટણીમાંથી દૂર કરવા શું ફક્ત આ એક યોજના જ કામ કરશે? બીજો કોઇ ઉપાય સર્વોચ્ચ અદાલત પાસે નથી.
સરકાર તરફથી હાજર રહેલા તુષાર મહેતાએ કોર્ટમાં દાખલ કરેલી તેમની લેખિત દલીલમાં કહ્યું હતું કે દેશની ચૂંટણી પ્રક્રિયા ચલાવવામાં કાળા નાણાનો ઉપયોગ દેશ માટે ગંભીર ચિંતાનો વિષય છે. ભારતમાં લગભગ 75 કરોડ મોબાઈલ ઈન્ટરનેટ યુઝર્સ છે અને દર ત્રણ સેકન્ડે એક નવો ઈન્ટરનેટ યુઝર ઉમેરાઇ રહ્યો છે.
ભારતમાં ડિજિટલ પેમેન્ટનું પ્રમાણ અમેરિકા અને યુરોપ કરતાં લગભગ સાત ગણું અને ચીન કરતાં ત્રણ ગણું વધારે છે. મહેતાએ જણાવ્યું હતું કે ઘણી બધી રીતો અજમાવવા છતાં કાળા નાણાના જોખમનો અસરકારક રીતે સામનો કરી શકાયો નથી, તેથી વર્તમાન યોજના બેંકિંગ સિસ્ટમ અને ચૂંટણીઓમાં સફેદ નાણાના પ્રવેશને સુનિશ્ચિત કરવા માટે એક સમજદાર અને મહેનતુ પ્રયાસ કરી રહી છે.
સુનાવણી દરમિયાન CJI ચંદ્રચુડે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી અને કહ્યું કે જો તમે ખરેખર તે યોજનાને લાગુ કરવા માંગતા હોવ અને સમાન તકો ઇચ્છતા હોવ, તો આ તમામ દાન ભારતના ચૂંટણી પંચને આપવું જોઈએ, જે પછી સમાન ધોરણે વહેંચવું જોઈએ.
સરકાર દ્વારા 2 જાન્યુઆરી 2018ના રોજ ચૂંટણી બોન્ડની જાહેરાત કરવામાં આવી હતી. યોજના અનુસાર ભારતના કોઈપણ નાગરિક અથવા દેશમાં સ્થાપિત કોઈપણ એન્ટિટી દ્વારા ચૂંટણી બોન્ડ ખરીદી શકાય છે. કોઈપણ વ્યક્તિ એકલ અથવા સંયુક્ત રીતે અન્ય વ્યક્તિઓ સાથે ચૂંટણી બોન્ડ ખરીદી શકે છે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 29A હેઠળ નોંધાયેલા માત્ર એવા રાજકીય પક્ષો, જેમણે લોકસભા અથવા રાજ્ય વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં ઓછામાં ઓછા એક ટકા મત મેળવ્યા હોય, તેઓ ચૂંટણી બોન્ડ મેળવવા માટે પાત્ર છે. આ બોન્ડ દ્વારા તેઓ પોતાની ઇચ્છા પ્રમાણે કોઇ પણ પક્ષને નાણાકીય મદદ કરી શકે છે.