સપ્ટેમ્બરમાં કશ્મીરમાં ચૂંટણી? સરકારના એક કેન્દ્રીય મંત્રીનો દાવો
નવી દિલ્હી: એક દાયકા બાદ જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણીનું આયોજન થાય તેવા સંકેતો મળી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ સોમવારે કહ્યું કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી સપ્ટેમ્બરમાં યોજાશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2014થી બાદમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું નથી. 2019 રાજ્યમાંથી કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું હતું. આ સાથે લદ્દાખ જમ્મુ-કાશ્મીરથી અલગ થઈ ગયું.
કાશ્મીરની જનતા નક્કી કરે:
ભાજપ દ્વારા કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સોમવારે જમ્મુના બાહ્ય વિસ્તારમાં એક રેલીને સંબોધિત કરતાં રેડ્ડીએ લોકોને જમ્મુ અને કાશ્મીરમાં વિકાસની ગતિનું સાતત્ય જાળવવા અને આતંકવાદને જડમૂળથી ઉખેડવા માટે ચૂંટણીમાં ભાજપને મત આપવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે કલમ 370 નાબૂદ થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન અને તેની ગુપ્તચર સંસ્થા ISIની ગતિવિધિઓ પર ઘણી હદ સુધી રોક લગાવવામાં આવી છે.
આ પણ વાંચો : યોગીના માર્ગે હિમંતા! આસામ સરકાર લવ જેહાદ માટે કાયદો લાવશે, આજીવન કેદ થશે
લોકો ભાજપની સરકાર લાવશે:
જી કિશન રેડ્ડીએ રેલીમાં કહ્યું કે સપ્ટેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે અને અમને ખાતરી છે કે લોકો ભાજપને પૂર્ણ બહુમતી સાથે સત્તામાં લાવશે. લોકોએ નક્કી કરવું પડશે કે તેઓ જમ્મુ અને કાશ્મીરમાં કઇ સરકાર ઇચ્છે છે, જે કલમ 370ને પાછી લાવવાની વાત કરે છે અથવા ભાજપની આગેવાનીવાળી સરકાર જે જમ્મુ અને કાશ્મીરને વિકાસ, શાંતિ અને સમૃદ્ધિની નવી ઊંચાઈઓ પર લઈ જવા માંગે છે.
2014થી નથી થઈ ચૂંટણી:
જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લે 2014ની સાલમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. 19 જૂન, 2018ના રોજ ભાજપ તરફથી સમર્થન પાછું ખેંચી લેતા તત્કાલિન મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને ત્યારબાદ જમ્મુ અને કશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યું હતું. જો કે બાદમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. ત્યારબાદ 5 ઓગષ્ટ 2019માં રોજ કેન્દ્ર સરકારે કલમ 370 અને 35A દૂર કરી અને જમ્મુ અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં પુનર્ગઠન કરવામાં આવ્યું હતું.