ચૂંટણીની `મત’વાલી મોસમનો આજથી પ્રારંભ
16.63 કરોડ મતદાર ગડકરી સહિત અનેક નેતાનું ભાવિ નક્કી કરશે
ચૂંટણીસામગ્રી: જબલપુરમાં લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની પૂર્વસંધ્યાએ વિતરણ કેન્દ્ર પરથી ઈવીએમ સહિતની ચૂંટણીસામગ્રી એકઠી કરી રહેલા ચૂંટણી અધિકારીઓ. (એજન્સી)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણીની `મત’વાલી મોસમનો આજે (શુક્રવારે 19 તારીખે) પ્રારંભ થવાનો છે. પ્રથમ તબક્કાનું મતદાન 21 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 102 બેઠક પર થવાનું છે. મહારાષ્ટ્રની પાંચ, અરુણાચલ પ્રદેશની બે, આસામની પાંચ, બિહારની ચાર, છત્તીસગઢની એક, મધ્ય પ્રદેશની છ, મણિપુરની બે, મેઘાલયની બે, મિઝોરમની એક, નાગાલેન્ડની એક, રાજસ્થાનની 12, સિક્કિમની એક, તામિલનાડુની 39, ત્રિપુરાની એક, ઉત્તર પ્રદેશની આઠ, ઉત્તરાખંડની પાંચ, પશ્ચિમ બંગાળની ત્રણ, આંદામાન અને નિકોબાર દ્વીપની એક, જમ્મુ અને કાશ્મીરની એક, લક્ષદ્વીપની એક અને પુડુચરીની એક બેઠક પર મતદાન કરવામાં આવશે.
અરુણાચલ પ્રદેશ વિધાનસભાની 60 બેઠક અને સિક્કિમ વિધાનસભાની 32 બેઠક પર પણ સાથે જ મતદાન યોજાવાનું છે.
કેન્દ્રીય પ્રધાનો – નીતિન ગડકરી, સર્વાનંદ સોનોવાલ, ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના પ્રધાન સુધીર મુનગંટીવાર, કૉંગ્રેસના ગૌરવ ગોગોઇ, દ્રમુકનાં કનિમોઝી અને ભાજપના કે. અન્નામલાઇ જેવા નેતાનું રાજકીય ભાવિ ચૂંટણીના આ પ્રથમ તબક્કામાં નક્કી થશે.
શુક્રવારે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે. ચૂંટણી પંચે 1.87 લાખ મતદાન કેન્દ્ર ખાતે 18 લાખથી વધુ ચૂંટણી કર્મચારીને ફરજ પર ગોઠવ્યા છે. આ 102 બેઠક પર અંદાજે 16.63 કરોડથી વધુ મતદાર છે, જેમાં આશરે 8.4 કરોડ પુરુષ, 8.23 કરોડ મહિલા અને 11,371
વ્યંડળ મતદાર છે. પ્રથમ વખત મતદાન કરવા માટે યોગ્ય 35.67 લાખ મતદાર છે અને 20થી 29 વર્ષના વયજૂથના 3.51 કરોડ મતદાર છે.
અગાઉ, 2019ની ચૂંટણીમાં આ 102 બેઠકમાંની 45 બેઠક પરથી યુપીએ અને 41 બેઠક પરથી એનડીએ જીતી હતી. આ બેઠકોમાંની છ બેઠકનું નવેસરથી સીમાંકન કરાયું છે.
મહારાષ્ટ્રમાં નાગપુર, રામટેક, ભંડારા-ગોંદિયા, ચંદ્રપુર અને ગઢચિરોલીમાં મતદાન થવાનું છે.
ઉત્તર પ્રદેશની જે આઠ બેઠક પર મતદાન થવાનું છે તે પશ્ચિમી ભાગમાં આવેલી સહારનપુર, બિજનોર, કૈરાના, મુઝફ્ફરનગર, નગીના, મોરાદાબાદ, રામપુર અને પીલીભીતની બેઠકો છે. અહીં મહત્ત્વના ઉમેદવારોમાં પીલીભીતથી જીતીન પ્રસાદ, કેન્દ્રીય પ્રધાન સંજીવ બલિયાન મુઝફ્ફરનગર અને આઝાદ સમાજ પાર્ટીના વડા ચંદ્રશેખર આઝાદ નગીના બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે.
મધ્ય પ્રદેશની જે છ બેઠકો પર મતદાન થવાનું છે તેમાં છીંદવાડા, માંડલા, સિધિ, શાહડોલ, જબલપુર અને બાલાઘાટનો સમાવેશ થાય છે. રાજ્યના મહત્ત્વના ઉમેદાવારોમાં કૉંગ્રેસના નેતા કમલનાથના પુત્ર નકુલ નાથ અને કેન્દ્રીય પ્રધાન ફગ્ગનસિંહ કુલસ્તે છે.
પહેલા તબક્કામાં સૈૌથી વધુ 19 બેઠકો પર તામિલનાડુમાં મતદાન થવાનું છે. આ રાજ્યમાં એમડીએમકેના દુરાઈ વાઈકો, ટીટીવી દિનાકરન, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓ. પનીરસેલ્વમ મુખ્ય ઉમેદવારો છે.
પશ્ચિમ બંગાળની ત્રણ બેઠક પર મતદાન થવાનું છે, તેમાં કૂચબિહાર (એસસી), જલપાઈગુડી (એસસી) અને અલિપુરદુઆર્સ (એસટી) બેઠકોનો સમાવેશ થાય છે. આ તબક્કામાં કેન્દ્રીય પ્રધાન નિસીથ પ્રમાણિક મહત્ત્વના છે.
છત્તીસગઢની નક્સલગ્રસ્ત બસ્તર બેઠક પર મતદાન થવાનું છે અને તેનો પ્રચાર બુધવારે બંધ થયો હતો.
જમ્મુ અને કાશ્મીરની ઉધમપુર બેઠક પર શુક્રવારે મતદાન થવાનું હતું એટલે બુધવારે પ્રચારના પડઘમ શાંત થયા હતા. આ બેઠક પર કેન્દ્રીય પ્રધાન જીતેન્દ્ર સિંહનું ભાવિ દાવ પર લાગેલું છે. આ 102 બેઠકો પર પ્રચારના પડઘમ બુધવારે સાંજે પાંચ વાગ્યે પૂરા થયા હતા. (એજન્સી)