નેશનલ

ચૂંટણી પંચનું SIR અભિયાન ‘પરિવાર મિલન યોજના’ બની ગયું, 37 વર્ષે ભાઈ મળી આવ્યો! વાંચો અનોખી કહાણી!

કોલકાતા: દેશમાં ચૂંટણી પંચ દ્વારા વિશેષ સઘન મતદારયાદી સુધારણાની એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્શિવ રિવિઝન (SIR)ની કામગીરી હાથ ધરવામાં આવી છે. બિહાર બાદ હવે પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા SIR)ની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન ગુજરાતમાંથી બૂથ લેવલ ઓફિસરની આત્મહત્યા, હાર્ટ અટેકના કારણે મૃત્યુ સહિતના દુઃખદ બનાવો સામે આવ્યા હતા. દુઃખદ બનાવોની વચ્ચે પશ્ચિમ બંગાળમાથી એક સુખદ બનાવ પણ સામે આવ્યો છે. જેમાં ચાર દાયકાથી ગુમ એક પરિવારનું મિલન થયું હતું.

પશ્ચિમ બંગાળના પુરૂલિયા જિલ્લામાં SIR દરમિયાન એક કમાલની ઘટના બની હતી. મતદાર યાદીની સુધારણા પ્રક્રિયાએ લગભગ ચાર દાયકાથી વિખૂટા પડેલા એક પરિવારને ફરીથી ભેગો કરી દીધો હતો. ચક્રવર્તી પરિવારે ૧૯૮૮માં તેમના મોટા પુત્ર વિવેક ચક્રવર્તીને ગુમાવી દીધો હતો. ઘર છોડ્યા પછી વિવેકનો કોઈ પત્તો લાગ્યો નહોતો. વર્ષો સુધી તેની શોધખોળ કરવામાં આવી, પરંતુ કોઈ કડી મળી નહોતી. ત્યાં સુધી તો તેમને એ વાતની કોઈ આશા જ નહોતી કે તેઓ ફરી ક્યારેય મળી શકશે. જોકે, એસઆઈઆર (SIR) અભિયાને તે દરવાજો ખોલી નાખ્યો, જેને તેઓ બંધ માની ચૂક્યા હતા.

વિવેકના નાના ભાઈનું નામ પ્રદીપ ચક્રવર્તી છે. તે તે જ વિસ્તારમાં BLO છે. એસઆઈઆર દરમિયાન દરેક ફોર્મ પર તેમનું નામ અને મોબાઇલ નંબર છપાયેલો હતો. વિવેકનો દીકરો કોલકાતામાં રહે છે, જે તેના કાકા વિશે કંઈ જાણતો નહોતો. તેણે દસ્તાવેજો માટે મદદ માંગવા ખાતર પ્રદીપને ફોન કર્યો. પહેલા કાગળિયાં વિશે વાતો થઈ, પણ ધીમે ધીમે પરિવારની કડીઓ જોડાવા લાગી.

પ્રદીપે જણાવ્યું, ‘મારો મોટો ભાઈ છેલ્લે ૧૯૮૮ માં ઘરે આવ્યો હતો. ત્યારથી તે ગુમ છે. અમે તેને દરેક જગ્યાએ શોધ્યો. જોકે, તેણે બધા સંબંધો તોડી નાખ્યા હતા. જ્યારે આ છોકરાના જવાબો અમારા પરિવારની એ વાતો સાથે મળવા લાગ્યા જે ફક્ત અમે જ જાણતા હતા, ત્યારે મને ખ્યાલ આવ્યો કે હું મારા ભત્રીજા સાથે વાત કરી રહ્યો છું.’ આ રીતે ૩૭ વર્ષથી લાપતા ચક્રવર્તી પરિવારનો મોટો દીકરો મળી ગયો હતો અને બંને તરફ ખુશીની લહેર વ્યાપી ગઈ હતી.

આપણ વાંચો:  ચંડીગઢને લઈને શિયાળુ સત્રમાં સરકાર દ્વારા પ્રસ્તાવિત બિલ શા માટે છે વિવાદનું કેન્દ્ર?

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button