હવે રાહુલ ગાંધીને ચૂંટણી પંચે આપ્યો જવાબઃ આરોપો પાયાવિહોણા અને તદ્દન જુઠ્ઠા
ભાજપે પણ કર્યો વળતો પ્રહાર, કહ્યું- ‘રાહુલ ગાંધી નેપાળ જેવા હાલ કરવા માગે છે’

નવી દિલ્હી: કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આજે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તેમણે આરોપ લગાવ્યો હતો કે કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીના સમર્થક મતદારોના નામ મતદાર યાદીમાંથી હટાવવાની કોશિશ કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ કર્ણાટકના કલબુર્ગી જિલ્લાની આલંદ વિધાનસભા બેઠકના આંકડા આપીને આ દાવો કર્યો હતો. રાહુલ ગાંધીના આક્ષેપો પર ચૂંટણી પંચે પ્રતિક્રિયા આપી હતી અને આયોગે આ આરોપોને સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ પણ ટીકા કરી હતી. રાહુલ ગાંધી નેપાળના માફક અંધાંધૂધી ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો ભાજપના નેતાઓએ આરોપ મૂક્યો હતો.
જો કે રાહુલ ગાંધીના આરોપો પર ચૂંટણી પંચે પ્રતિક્રિયા આપી હતી. ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા હતા. ચૂંટણી પંચે કહ્યું કે કોઈ પણ નાગરિક દ્વારા કોઈ પણ નામને ઓનલાઈન હટાવી શકાય નહિ, રાહુલ ગાંધીએ ઘડેલી ધારણા ખોટી છે. પ્રભાવિત વ્યક્તિને સાંભળ્યા વગર મતદારોને હટાવી શકાય નહિ.
આ પણ વાંચો: ECએ લાખો મતદારોના નામ ડિલીટ કર્યા! કથિત ‘વોટ ચોરી’ અંગે રાહુલ ગાંધીના મોટા ઘટસ્ફોટ
વર્ષ 2023માં આલંદ વિધાનસભા ક્ષેત્રમાં મતદારોના નામ હટાવવાનો અસફળ પ્રયત્ન થયો હતો, જો કે આ મુદ્દે ચૂંટણી પંચ દ્વારા જ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. રેકોર્ડ મુજબ, આલંદ વિધાનસભા ક્ષેત્રમાંથી 2018માં સુભાધ ગુટ્ટેદાર (ભાજપ) અને 2023માં બીઆર પાટીલ (કોંગ્રેસ) એ જીત મેળવી હતી.
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે જે મતદારોના નામ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જેના નામનો ઉપયોગ કરીને નામ દૂર કરવા માટે અરજીઓ આપવામાં આવી હતી, જો કે મતદારો આ અરજીથી અજાણ હોવાનો દાવો રાહુલ ગાંધીએ કર્યો હતો. તેમણે દાવો કર્યો કે આલંદ વિધાનસભા ક્ષેત્રમાં 6018 મતદારોના નામ દૂર કરવા માટે અરજીઓ આપવામાં આવી હતી. રાહુલ ગાંધીએ એવો પણ દાવો કર્યો કે મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના રાજૌરા વિધાનસભા ક્ષેત્રમાં આ જ રીતે 6850 નવા નામ ઉમેરવામાં આવ્યા હતા.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “આ મામલાની તપાસ કર્ણાટકની CID કરી રહી છે. CIDએ 18 પત્રો મોકલીને કેટલીક માહિતી માંગી, પરંતુ આ માહિતી આપવામાં આવી નથી, કારણ કે આ માહિતીથી તે લોકો સુધી પહોંચી શકાશે જ્યાંથી આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર લોકશાહીની હત્યા કરનારાઓ અને વોટ ચોરનો બચાવ કરવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ માંગ કરી છે કે ચૂંટણી પંચે એક અઠવાડિયાની અંદર કર્ણાટકની CID સાથે સંપૂર્ણ માહિતી શેર કરવી જોઈએ.