ઈન્ડિયા ગઠબંધનના નામ મામલે ચૂંટણી આયોગે કોર્ટમાં કરી આ સ્પષ્ટતા
બિનભાજપી રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવેલા ગઠબંધનને ઈન્ડિયા નામ આપવામાં આવ્યું છે. આને પડકારતી અરજી કોર્ટમાં થઈ હતી ત્યારે આ મામલે ચૂંટણી આયોગે કોર્ટમાં કહ્યું કે અમે ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ (I.N.D.I.A.)ના નામ મમલે કંઈ કહી શકીએ નહીં કારણ કે રિપ્રેઝન્ટેશન ઑફ ધ પીપલ એક્ટ 1951ની કલમ 29A અનુસાર કોઈપણ ગઠબંધનને રેગ્યુલેટ કરી શકાશે નહીં.
વાસ્તવમાં, ઉદ્યોગપતિ ગિરીશ ભારદ્વાજે વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનનું નામ ઈન્ડિયા રાખવાને પડકારતી પીઆઈએલ હાઈકોર્ટમાં દાખલ કરી હતી.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચ દ્વારા I.N.D.I.A. (ઈન્ડિયા) નામનો ઉપયોગ કરવા વિશે કંઈ જ કરવામાં આવ્યું નહીં તેથી કોર્ટના દરવાજા ખખડાવવા પડ્યા છે. આ લોકો (વિરોધી પક્ષો) આ નામનો ઉપયોગ માત્ર મત મેળવવા માટે કરી રહ્યા છે.
કૉંગ્રેસ, શરદ પવારની એનસીપી, ઉદ્ધવ ઠાકરેની શિવસેના સહિતની દેશની 26 પાર્ટીએ પોતાનું નામ ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ (ઈન્ડિયા) રાખ્યું હતું. બેઠક બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે નામ પર બધા સહમત છે. આ પક્ષનું નામ ઈન્ડિયા રાખ્યા બાદ ઘણા વિવાદો ઊભા થયા છે.