ચૂંટણી પંચની મોટી સફળતા; ડુપ્લિકેટ વોટર આઈડી કાર્ડ નંબરની સમસ્યા ઉકેલવામાં આવી…

નવી દિલ્હી: ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો લોકશાહી દેશ છે, અહેવાલ મુજબ ભારતમાં 99 કરોડ મતદારો છે. ભારતમાં યોજાતી ચૂંટણી દુનિયા માટે આભ્યાસનો વિષય રહે છે. જોકે ચુંટણી દરમિયાન મતદારયાદી સામે ઘણા સવાલો ઉભા થતા હોય છે, એવામાં ચૂંટણી પંચે એક મોટી સમસ્યાનું સમાધાન લાવ્યું છે. ચૂંટણી પંચે સમાન નંબરો ધરાવતા વોટર આઈડી કાર્ડના મુદ્દાનો ઉકેલ લાવ્યો છે. આવા કાર્ડ ધરાવતા મતદારો માટે નવા નંબરો જાહેર કરવામાં આવ્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે 20 વર્ષ જૂની સમસ્યાનો ઉકેલ મળી ગયો છે. સરેરાશ ચાર મતદાન મથકોમાંથી એકમાં ડુપ્લિકેટ EPIC નંબરના કિસ્સા મળી આવ્યા હતાં. સૂત્રોએ જણાવ્યું હતું કે ફિલ્ડ લેવલ વેરિફિકેશન દરમિયાન, એવું જાણવા મળ્યું હતું કે સમાન EPIC નંબર ધરાવતા લોકો વિવિધ વિધાનસભા મતવિસ્તારો અને વિવિધ મતદાન મથકોના સાચા મતદારો હતા.
વિપક્ષ દ્વારા મતદાર યાદીઓમાં છેડછાડના આરોપો લાગવવામાં આવ્યા હતાં. ચૂંટણી પંચે માર્ચ મહિનામાં કહ્યું હતું કે તે આગામી ત્રણ મહિનામાં દાયકાઓ જૂના મુદ્દાનો ઉકેલ લાવશે. તેમણે કહ્યું કે આ લાંબા સમયથી પડતર મુદ્દાના ઉકેલ માટે તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
ઉપરાંત, દેશભરના તમામ 4123 વિધાનસભા મતવિસ્તારોના 10.50 લાખ મતદાન મથકોના ચૂંટણી નોંધણી અધિકારીઓ દ્વારા 99 કરોડથી વધુ મતદારોના સમગ્ર મતદાર ડેટાબેઝની ચકાસણી કરવામાં આવી હતી. સરેરાશ, દરેક મતદાન મથક પર લગભગ 1,000 મતદારો હોય છે.