કેમ્પેઈન સોંગ બાબતે ચૂંટણી પંચે AAPને નોટીસ મોકલી, આતિશીએ ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યા
નવી દિલ્હી: ગઈ કાલે શનિવારે આમ આદમી પાર્ટી(AAP)એ પોતાનું કેમ્પેઈન સૉંગ ‘જેલ કા જવાબ હમ વૉટ દેંગે’ (AAP campaign song)લૉંચ કર્યું હતું. આ ગીત બાબતે ઈલેકશન કમીશન ઓફ ઇન્ડિયા(ECI)એ AAPને નોટીસ મોકલી છે, ECIએ કેમ્પેઈન સોંગના કન્ટેન્ટમાં ફેરફાર કરવાનો આદેશ આપ્યો છે. નોટીસમાં ECIએ જણાવ્યું છે કે પક્ષના કેમ્પેઈન સોંગમાં કેબલ ટેલિવિઝન નેટવર્ક રૂલ્સ, 1994 અને ચૂંટણી પંચની માર્ગદર્શિકા હેઠળ નિર્ધારિત જાહેરાત અંગેના નિયમોનું પાલન કરવું જોઈએ.
નોટીસમાં જણાવવામાં આવ્યું છે કે ‘જેલ કા જવાબ હમ વૉટ દેંગે’ ગીતના વિડીયોમાં જેલમાં બંધ અરવિંદ કેજરીવાલનો ફોટો પકડીને ઉભેલું આક્રમક ટોળું જોવા મળે છે, આ ગીતમાં ન્યાયતંત્ર પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. વધુમાં, આ વાક્ય જાહેરાતમાં વારંવાર જોવા મળે છે જે ECIની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે. આ કેબલ ટેલિવિઝન નેટવર્ક રૂલ્સ, 1994 હેઠળ નિર્ધારિત પ્રોગ્રામ અને એડવર્ટાઈઝિંગ કોડ્સ6(1)(g)નું ઉલંઘન છે.
આ દરમિયાન આપ નેતા અને દિલ્હી સરકારમાં પ્રધાન આતિશી માર્લેનાએ દાવો કર્યો કે ECIએ AAPના કેમ્પેઈન સોંગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ECIનું આ પગલું ભાજપ દ્વારા AAP સામે ઉગામેલું રાજકીય શાસ્ત્ર છે.
આતિશીએ આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા અચાર સંહિતાના ઉલંઘનને અવગણે છે. તેમણે કહ્યું કે તાજેતરમાં વિપક્ષના કેટલાક નેતાઓ ભાજપમાં જોડાયા બાદ તેમની વિરુદ્ધના કેસ ED, CBI અને અન્ય તપાસ એજન્સીઓએ બંધ કરી દીધા હતા, એ સમયે ચૂંટણી પંચે કોઈ સવાલ ઉઠાવ્યા નહીં. હવે જયારે અમે અમારું સોંગ લોચ કર્યું તો ચૂંટણી પંચ અમને નોટીસ મોકલી રહ્યું છે. જો તમે સરમુખત્યારશાહી વિષે વાત કરો છો ECIને એવું લાગે છે કે તમે સત્તાધારી પક્ષની ટીકા કરી રહ્યા છો. મતલબ કે ચૂંટણી પંચ પણ સ્વીકારે છે કે ભાજપની સરકાર સરમુખત્યારશાહી સરકાર છે.