હેટ સ્પીચ અને અંગત હુમલાને રોકવામાં ચૂંટણી પંચ લાચાર
(અમારા પ્રતિનિધિ તરફથી)
લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ ચૂંટણી પંચે આ વખતે હેટ સ્પીચ અને પર્સનલ અટેક (અંગત હુમલા)ને રોકવાની યોજના બનાવી છે. આપણા દેશમાં ચૂંટણીના સમયે હેટ સ્પીચના કિસ્સા છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા વધી ગયા છે. ચૂંટણી પંચ અનેક પ્રયાસો છતાં આવા પ્રકારના કિસ્સા રોકવામાં લાચાર નીવડી રહી હોવાનું અત્યારે તો જણાઈ રહ્યું છે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પોતાની પત્રકાર પરિષદમાં જાણીતા શાયર બશીર બદ્રની જાણીતી શાયરી ‘દુશ્મની જમકર કરો લેકિન યે ગુંજાઈશ રહે, જબ કભી હમ દોસ્ત હો જાયેં તો શર્મિંદા ના હોં’ સંભળાવીને તેમણે રાજકીય પક્ષોને જે સંકેત આપ્યા તે સમજવા જેવા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ચૂંટણી પંચ કોઈપણ સંજોગોમાં નેતાઓ અને સ્ટાર પ્રચારકો દ્વારા હેટ સ્પીચ અને અંગત હુમલા સહન કરવામાં આવશે નહીં અને આવું કરનારા સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. હવે સવાલ એ ઉપસ્થિત થાય છે કે ચૂંટણી પંચ હેટ સ્પીચ અને અંગત હુમલાને કેવી રીતે રોકી શકશે? શું આવા નફરત ફેલાવતા ભાષણો અને અંગત હુમલા કરનારાની ઉમેદવારી રદ કરવા જેવી કાર્યવાહી કરવાની તાકાત ચૂંટણી પંચ પાસે છે?આવા નેતાઓ અને ઉમેદવારોને ભવિષ્યમાં ચૂંટણી લડતા રોકવાની કોઈ સત્તા છે? શું અન્ય કોઈ રીતે આવી કાર્યવાહી કરી શકાય છે?
અત્યારે કોઈ કાયદો નથી
ચૂંંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં 14 સપ્ટેમ્બર-2022ના રોજ કહ્યું હતું કે અત્યારે તો દેશમાં હેટ સ્પીચ અને અંગત હુમલા રોકવા માટે કોઈ કાયદો નથી. સુપ્રીમ કોર્ટે જ આવી પ્રવૃત્તિઓ રોકવા માટે કોઈ આદેશ આપવો જોઈએ. ચૂંટણી પંચે એમ પણ કહ્યું હતું કે વાસ્તવમાં ચૂંટણીના જંગમાં ઉતરેલા કોઈપણ ઉમેદવારને ત્યાં સુધી રોકી શકાય નહીં, જ્યાં સુધી હેટ સ્પીચની સ્પષ્ટ વ્યાખ્યા કરીને તેને રોકવા માટે કાયદો બનાવવામાં ન આવે ત્યાં સુધી આવી કાર્યવાહી કરી શકાય નહીં.
આ બાબતે લૉ કમિશન દ્વારા રજૂ કરવામાં આવેલી 267મા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે હેટ સ્પીચના કિસ્સામાં સજા કરી શકાય તે માટે કાયદામાં અભ્યાસ અને સંશોધન કરવાની આવશ્યકતા છે. અત્યારે દેશમાં આઈપીસી અને સીઆરપીસીના જગ્યાએ નવા કાયદા આવી રહ્યા છે ત્યારે હેટ સ્પીચ માટે પણ સ્પષ્ટ કાયદો હોવો જોઈએ એમ નિષ્ણાતોનું કહેવું છે. તેમનું માનવું છે કે સીધા અને સ્પષ્ટ કાયદા ન હોવાનો ફાયદો રાજકીય નેતાઓ મોટા પાયે ઉઠાવી રહ્યા છે. આ જ નબળાઈનો લાભ લઈને કેટલીક વખત તો રાજકારણીઓ ક્યારેક બધી જ મર્યાદા ઓળંગી જતા હોય છે.
આ વખતે ચૂંટણી પંચનું વલણ સખત
ચૂંટણી પંચે 2024ની લોકસભાની ચૂંટણીઓની જાહેરાત કરવા પહેલાં નેતાઓ, ઉમેદવારો અને સ્ટાર પ્રચારકો દ્વારા આદર્શ આચાર સંહિતાને તોડનારાઓના પાંચ વર્ષના રેકોર્ડ જોવામાં આવ્યા છે અને નેતાઓને એડવાઈઝરી (નિર્દેશ) પણ જાહેર કરવામાં આવ્યા છે. પંચનું માનવું છે કે અગાઉની સરખામણીએ રાજકારણનું સ્તર ઘટ્યું છે. આ બાબતને ધ્યાનમાં લેતાં આ વખતે પ્રચાર વખતે ઉમેદવાર, નેતા કે સ્ટાર પ્રચારકો રેડ લાઈનને ક્રોસ કરી નાખતા હોય છે. આ વખતે આમ થવા દેવામાં આવશે નહીં. હેટ સ્પીચ અંગે ભલે કોઈ સ્પષ્ટ કાયદો ન હોય, પરંતુ આને માટે કાયદામાં રહેલી અન્ય કલમોનો ઉપયોગ કરીને તેમની સામે કાર્યવાહી થઈ શકે છે. તેમણે બધા જ રાજકીય દળોને પણ ચેતવણી આપી છે કે જો તેમની તરફથી કોઈ નેતા, ઉમેદવાર કે સ્ટાર પ્રચારક ચૂંટણી પ્રચાર દરમિયાન નફરત ફેલાવતા ભાષણો કે અંગત હુમલા કરશે તો તેમની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.
અત્યાર સુધીમાં સંસદસભ્યો-વિધાનસભ્યો સામે 100 ગુના
રાજકીય નિષ્ણાતોએ એક અહેવાલનો હવાલો આપીને જણાવ્યું હતું કે હેટ સ્પીચને લઈને દેશમાં સંસદસભ્યો અને વિધાનસભ્યો સામે 100થી વધુ ગુના નોંધવામાં આવ્યા છે. આ યાદી ગયા વર્ષે ઑક્ટોબર મહિનામાં તૈયાર કરવામાં આવી હતી. અત્યારે આ યાદીમાં વધારો થયો હોવાની શક્યતા છે. આમ છતાં રાજકીય પાર્ટીઓ હેટ સ્પીચ આપનારા નેતાઓને ઉમેદવારી આપવાથી અચકાતી નથી. પહેલી જરૂરિયાત એવી છે કે આવા નેતાઓને ચૂંટણી લડતા રોકવાની આવશ્યકતા છે. આવી જ રીતે જે લોકો ચૂંટણી લડતા નથી, પરંતુ ફક્ત ભાષણો જ આપે છે તેમની સામે પણ કાનૂની કાર્યવાહી કરવામાં આવે એવી આવશ્યકતા જણાઈ રહી છે. પંચે સરકારને ફણ આ બાબતે આકરો કાયદો બનાવવાની ભલામણ કરી છે, પરંતુ હજી સુધી આવો કોઈ કાયદો બની શક્યો નથી.