તેલંગણામાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત: ગુરુવારે મતદાન
હૈદરાબાદ: મંગળવારે સાંજે પાંચ કલાકે તેલંગણામાં વિધાનસભાની ચૂંટણી માટેના પ્રચારના પડઘમ શાંત થયા હતા. ચીફ ઈલેક્ટોરલ ઓફિસર વિકાસ રાજે એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં કહ્યું કે “હાલમાં સાંજના પાંચ વાગ્યા છે અને મૌન સમયગાળો શરૂ થયો છે. ભારતના ચૂંટણીપંચે વિવિધ નિયંત્રણો લાદયા હતા. (મતદાન અગાઉના) ૪૮ કલાકમાં મતદારો વિચાર કરી શકે મને તારણ પર આવી શકે તે માટે મૌન સમયગાળો આપવામાં આવે છે.
નવમી ઑક્ટોબરે ચૂંટણીની જાહેરાત થઈ હતી. તે પછી ચૂંટણીની આચારસંહિતા અમલમાં આવી
હતી. તેલંગણામાં ૩.૨૬ કરોડ પાત્ર મતદારો છે. વિધાનસભા ચૂંટણીજંગમાં ૨,૨૯૦ ઉમેદવારો ઊભા રહ્યા છે. જેમાંથી ૨,૦૬૮ પુરુષ, ૨૨૧ મહિલા અને એક તૃતીયપંથી ઉમેદવાર છે. ૮૦ વર્ષથી વધુ વયના નાગરિકો માટે ઘરેથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવી છે. ૧૦૦૦ મતદારોએ ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમીટેડ પોસ્ટલ બેલટ સિસ્ટમ માટે નામ નોંધાવ્યું છે. તેલંગણામાં સીઆરપીસીની કલમ ૧૪૪ હેઠળ પ્રતિબંધક આદેશો જાહેર કરવામાં આવ્યા છે. ૨.૫ લાખથી વધુ સ્ટાફ મતદાન માટેની વ્યવસ્થામાં ભાગ લેશે.
નવમી ઑક્ટોબર પછી રોકડ, સોનુ, દારૂ, ભેટ આપવા માટેની ચીજવસ્તુઓ સહિત રૂ. ૭૩૭ કરોડની માલમત્તા જપ્ત કરવામાં આવી છે. તેવું એક અધિકૃત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.
કર્મચારીઓ મતદાન કરી શકે તે માટે ચૂંટણીપંચ આઈટી કંપની સહિતની તમામ ખાનગી કંપનીને આદેશ કર્યો છે. તેલંગણાની શાસક પાર્ટી બીઆરએસએ (ભારત રાષ્ટ્ર સમિતિ) તમામ ૧૧૯ બેઠક માટે ઉમેદવાર ઊભા રાખ્યા છે. ભાજપે ૧૧૧ અને સાથી પક્ષ જનસેનાએ આઠ બેઠક પર ફોર્મ ભર્યું છે. કૉંગ્રેસે સાથી પક્ષ સીપીઆઈ (એમાને એક બેઠક ફાળવી છે. એઆઈએમઆઈએનએ હૈદરાબાદ શહેરમાં નવ બેઠક પર ઉમેદવાર ઊભા રાખ્યા છે.
બીઆરએસ સતત ત્રીજી મુદત જીતવા પ્રયત્નશીલ છે અને કૉંગ્રેસ સત્તા મેળવવા તમામ પ્રયત્નો કરી રહી છે.