ગડબડ ! Hemant Sorenની ઉંમર પાંચ વર્ષમાં સાત વર્ષ વધી, વિવાદ વકર્યો
રાંચી : ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024માં હેમંત સોરેનની(Hemant Soren) ઉંમરને લઈને વિવાદ વકર્યો છે. જેમાં સીએમ હેમંત સોરને ચૂંટણી એફિડેવિટમાં પોતાની ઉંમર 49 વર્ષ લખી છે. જ્યારે વર્ષ 2019માં હેમંત સોરેને પોતાની ઉંમર 42 વર્ષ જાહેર કરી હતી. ત્યારે વિપક્ષે સવાલ કર્યો છે કે છેલ્લા પાંચ વર્ષમાં તેમની ઉંમર સાત વર્ષ કેવી રીતે વધી ગઇ. આ મુદ્દે ઝારખંડમાં વિવાદ ચાલી રહ્યો છે. ઇન્ડી ગઠબંધનમાં સામેલ નેતાઓ કહી રહ્યા છે કે ભાજપને તેની હાર નિશ્ચિત દેખાઈ રહી છે. આ કારણોસર આવા આક્ષેપો થઈ રહ્યા છે. જો કે મહત્વની વાત એ છે કે ચૂંટણી પંચની વેબસાઈટ પર હેમંત સોરેનના સોગંદનામા ઉપલબ્ધ છે.
ઝારખંડમાં ભારે હોબાળો
જો કે સામાન્ય રીતે નવા ઉમેદવારોની ઉંમરમાં છેતરપિંડીના મુદ્દા પ્રકાશમાં આવતા હોય છે. પરંતુ અહીં તો ખુદ મુખ્યમંત્રીની ઉંમરમાં પણ ગેરરીતિનો મુદ્દો પ્રકાશમાં આવ્યો છે. તે એવા મુખ્યમંત્રી પણ છે જેમને કૌભાંડના આરોપમાં પોતાનું પદ છોડવું પડ્યું હતું અને જામીન મળ્યા બાદ તેઓ ફરીથી મુખ્યમંત્રી બન્યા છે. આવી સ્થિતિમાં મતદાન પહેલા ઝારખંડમાં ભારે હોબાળો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો…..મહારાષ્ટ્રની ચૂંટણીમાં બળવાખોર વિધાનસભ્યો કોની ગેમ બગાડશે?
શું છે સમગ્ર મામલો?
હેમંત સોરેને 2019માં ચૂંટણી પંચને આપેલા એફિડેવિટમાં તેમની ઉંમર 42 વર્ષની હતી. પરંતુ 2024માં ચૂંટણી માટે નોમિનેશન વખતે તેમણે જે એફિડેવિટ આપી છે તેમાં તેમની ઉંમર 49 વર્ષ થઈ ગઈ છે. એટલે કે તેની ઉંમર 5 વર્ષમાં 7 વર્ષ વધી છે. વિપક્ષ આના પર સવાલ ઉઠાવી રહ્યો છે. જોકે, હેમંત સોરેનના સમર્થકોનું કહેવું છે કે તમામ દસ્તાવેજોની તપાસ કર્યા બાદ જ અરજીઓ સ્વીકારવામાં આવે છે. ચૂંટણી અધિકારીએ અરજી સ્વીકારી છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું, ભાજપ આ મુદ્દાને ઉછાળવા માટે નવી નવી તરકીબો અજમાવી રહ્યું છે. જ્યારે અમને વિશ્વાસ છે કે અમે જીતીશું અને ફરીથી અમારી સરકાર બનાવીશું.