Election 2024: મીસા ભારતી સામે ચૂંટણી લડી રહેલા ઉમેદવાર પર હુમલો, એકની ધરપકડ

પટના: બિહારની પાટલીપુત્ર સંસદીય ક્ષેત્ર(Pataliputra seat)માં ગઈ કાલે મતદાન બાદ હિંસાનો બનાવ બન્યો હતો, ભાજપના ઉમેદવાર રામકૃપાલ યાદવ (Ram Kripal Yadav)પર હુમલાના કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય વાત એ છે કે રામકૃપાલ યાદવ પાટલીપુત્ર લોકસભા સીટ પરથી લાલુ પ્રસાદ યાદવના દીકરી મીસા ભારતી(Misa Bharti) સામે ચૂંટણી લડી રહ્યા છે.
રામકૃપાલ યાદવ તરફથી મળેલી અરજીના આધારે પટના પોલીસે આ કેસમાં 9 લોકોને આરોપી બનાવ્યા છે. શનિવારે સાંજે બનેલી આ ઘટના બાદ પોલીસ વિવિધ જગ્યાએ દરોડા પાડી રહી છે, જોકે પોલીસ તપાસમાં હજુ સુધી ફાયરિંગની પુષ્ટિ થઈ નથી. પોલીસે એક આરોપીની ધરપકડની પુષ્ટિ કરી છે.
આ પણ વાંચો : આ સીટ પર જે પક્ષ જીતે છે તે કેન્દ્રમાં સરકાર બનાવે છે
શનિવારે મોડી સાંજે મતદાન બાદ ભાજપના ઉમેદવાર રામકૃપાલ યાદવના કાફલા પર ગોળીબારની ઘટના સામે આવી છે. બિહાર પોલીસે આ કેસમાં અખિલેશ યાદવ, સૂરજ યાદવ, બિટ્ટુ યાદવ, વિકાસ યાદવ, ગૌતમ યાદવ, આદિત્ય યાદવ, સત્યેન્દ્ર યાદવ, સાગર યાદવ અને સોંટી યાદવને આરોપી બનાવ્યા છે. આ તમામ આરોપી મસોધી પોલીસ સ્ટેશન વિસ્તારના ગોપાલપુર મઠના રહેવાસી હોવાનું કહેવાય છે. 40 જેટલા અજાણ્યા લોકો સામે પ્રાથમિક કેસ પણ નોંધવામાં આવ્યો છે.
પટના પોલીસે આ મામલે એક વિશેષ ટીમ બનાવી છે. પોલીસે આ કેસમાં ગોપાલપુર મઠના રહેવાસી ઉમેશ પ્રસાદના પુત્ર વિકાસ યાદવની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીઓને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.
દરમિયાન ભાજપના ઉમેદવાર રામકૃપાલ યાદવે કહ્યું કે તેમની રાજકીય કારકિર્દીમાં આજ સુધી કોઈએ તેમના પર એક પથ્થર પણ ફેંક્યો નથી. પરંતુ હારની હતાશામાં RJDના ગુંડાઓએ આવો હુમલો કર્યો છે. રામકૃપાલ યાદવે કહ્યું છે કે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.