Election 2024 : ભાજપે મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી માટે ઉમેદવાર પસંદગીને લઇને કવાયત તેજ કરી
નવી દિલ્હી : મહારાષ્ટ્ર અને હરિયાણામાં ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી (Election 2024) યોજાવા જઈ રહી છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરને લઈને પણ તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલય વચ્ચે સુરક્ષાની સ્થિતિને લઈને સમીક્ષા ચાલી રહી છે. ત્યારે ભાજપે(BJP)આ ત્રણેય રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. ભાજપ ઝારખંડમાં પણ સક્રિય છે. જ્યાં ડિસેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે. ભાજપમાં પણ ઉમેદવારોની પસંદગી માટે બેઠકો શરૂ થઈ ગઈ છે. રવિવારે મહારાષ્ટ્રમાં રાજ્ય કારોબારીની ચૂંટણી બેઠક હતી. તેમાં સહ-સંગઠન મહાસચિવ શિવપ્રકાશ પણ હાજર હતા.
પ્રભારીઓ અને સંગઠન મંત્રીઓ સાથે બેઠકો યોજવામાં આવી
મહારાષ્ટ્રમાં હાલ ભાજપ ગઠબંધન સરકાર ચલાવી રહી છે અને હરિયાણામાં એકલા હાથે પાર્ટી સત્તામાં છે. જ્યારે ઝારખંડમાં કોંગ્રેસ અને જેએમએમની ગઠબંધન સરકાર છે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે પાર્ટી ટૂંક સમયમાં તમામ રાજ્યોમાં ઉમેદવારો નક્કી કરવા માંગે છે. જેથી કરીને ચૂંટણી પ્રચારની તક મળી શકે અને પસંદ કરાયેલા ઉમેદવારો તેમના વિસ્તારોમાં જઈને તેમની પકડ મજબૂત કરી શકે. આ અંગે વિચારણા કરવા માટે તમામ રાજ્યોના કાર્યકારી પ્રભારીઓ અને સંગઠન મંત્રીઓ સાથે બેઠકો યોજવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં 35 ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે
અત્યાર સુધી મળેલી માહિતી મુજબ સપ્ટેમ્બરના પહેલા 15 દિવસમાં ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. જ્યારે ભાજપ ઓગસ્ટના અંત સુધીમાં જ ઉમેદવારોની યાદી બહાર પાડવાનું શરૂ કરી શકે છે. મહારાષ્ટ્રમાં પહેલા ઓછામાં ઓછા 35 ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે. આ સિવાય હરિયાણામાં 20 થી 25 ઉમેદવારો પણ નક્કી થઈ શકે છે. ઝારખંડને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. પ્રથમ રાઉન્ડમાં ભાજપ તે બેઠકો પર નામ જાહેર કરશે જ્યાં તે છેલ્લી ચૂંટણીઓમાં હારી હતી અથવા હારનું માર્જિન ખૂબ ઓછું હતું.