‘પપ્પા વેચવાના છે.. કિંમત 2 લાખ રૂપિયા.. ‘ એક દીકરીએ કેમ આવું બોર્ડ લગાવ્યું?
નવી જનરેશનના બાળકો અવારનવાર ગતકડા કરતા જોવા મળે છે. ઘણીવાર છોકરમતમાં બાળકો એવા પ્રકારની પ્રવૃત્તિ કરતા જોવા મળે છે કે જેની કોઇએ કલ્પના પણ ન કરી હોય. હાલમાં જ ટ્વીટર પર એક વ્યક્તિએ એક ફોટો શેર કર્યો હતો અને પોસ્ટમાં લખ્યું હતું કે તેની પુત્રી સાથે થયેલી એક નાનકડી રકઝક બાદ તેણે પોતાના ‘પિતાને વેચવાના છે’ તેમ લખેલું બોર્ડ ઘરની બહાર લગાવ્યું હતું.
@Malavtweets નામના ટ્વિટર આઈડીવાળા વ્યક્તિએ બે તસવીરો પોસ્ટ કરી અને લખ્યું- મેં મારી દીકરીની વાત ન સાંભળી, તેથી તે મારા પર ગુસ્સે થઇ. એપાર્ટમેન્ટના દરવાજા પર પેન્સિલથી લખેલી નોટિસ લટકાવી દીધી હતી. જેમાં લખ્યું હતું, ‘પપ્પાને વેચવાના છે, કિંમત માત્ર બે લાખ રૂપિયા વધુ વિગત માટે બેલ દબાવો.’ પોસ્ટ સાથે જોડાયેલી તસવીરમાં એપાર્ટમેન્ટના દરવાજા પર લટકેલી નોટિસ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
આ પોસ્ટ પર X યુઝર્સ અલગ અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે તમારી દીકરી અદ્ભૂત છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું હતું કે પિતા વાત ન માને તો તેમને વેચી દો! આ છોકરી કોઇપણ વસ્તુ વેચી શકે એમ છે!