આંધ્ર પ્રદેશના આઠ વિધાનસભ્ય ગેરલાયક
અમરાવતી: આંધ્ર પ્રદેશના વિધાનસભાના સ્પીકર તમ્મીનેની સીતારામે આઠ વિધાનસભ્યોને તેમની પાર્ટી દ્વારા કરવામાં આવેલી ફરિયાદને પગલે ગેરલાયક ઠેરવ્યા છે. આમાં સત્તાધારી વાયએસઆર કૉંગ્રેસના ચાર અને વિપક્ષ તેલુગુ દેસમ પાર્ટી (ટીડીપી)ના ચાર વિધાનસભ્યોનો સમાવેશ થાય છે. અહીં ઉલ્લેખનીય છે કે આગામી થોડા અઠવાડિયામાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે.
ગેરલાયક
ઠેરવવામાં આવેલા વિધાનસભ્યોમાં મદ્દાલો ગિરિધર રાવ, કરણમ બલરામ, વલ્લભનેની વામસી અને વાસુુપલ્લી ગણેશ (બધા ટીડીપી) તેમ જ અનમ રામનારાયણ રેડ્ડી, મેકાપતિ ચંદ્રશેખર રેડ્ડી, કે. શ્રીધર રેડ્ડી અને ઉંદાવલ્લી શ્રીદેવી (ચારે વાયએસઆર કૉંગ્રેસ)નો સમાવેશ થાય છે, એમ સ્પીકરની કચેરીમાંથી બહાર પાડવામાં આવેલા સરક્યુલરમાં મંગળવારે જણાવવામાં આવ્યું હતું.
સરક્યુલરમાં લખવામાં આવ્યું છે કે ૨૬-૨-૨૦૨૪ના રોજ આંધ્ર પ્રદેશના માનનીય સ્પીકર દ્વારા ભારતીય બંધારણના પક્ષપલટા વિરોધી ૧૦મા શેડ્યુલ હેઠળ અને આંધ્ર પ્રદેશ વિધાનસભાના સભ્ય (પક્ષપલટાને પગલે અપાત્રતા નિયમો) ૧૯૮૬ હેઠળ નિમ્ન સભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.
રાજકીય નીરિક્ષકોના માનવા મુજબ ગેરલાયક ઠેરવવામાં આવેલા વિધાનસભ્યોના સ્થાન પર પેટા ચૂંટણી થવાની શક્યતા નથી કેમ કે આગામી છ અઠવાડિયામાં વિધાનસભાની ચૂંટણી અપેક્ષિત છે. સ્પીકરે આ આઠેય સભ્યોને અગાઉ તેમની રજૂઆત કરવા માટે નોટિસ આપવામાં આવી હતી અને તેમને સાંભળ્યા બાદ અપાત્ર કરવામાં આવ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે શ્રીધર રેડ્ડીનું નામ ટીડીપીના ઉમેદવારોની યાદીમાં છે. (પીટીઆઈ)