કતારમાં આઠ ભારતીયોને મૃત્યુદંડની સજા
નવી દિલ્હી: કતારમાં ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને મુત્યુદંડની સજા કરવામાં આવી છે. આ અંગે ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું હતું કે, આ કેસ પર નજર રાખવામાં આવી રહી છે અને તમામ કાયદાકીય વિકલ્પો અજમાવવામાં આવશે.
અલ દહરા કંપનીના આ કર્મચારીઓની જાસૂસીના કથિત કેસ હેઠળ ઑગસ્ટ ૨૦૨૨માં ધરપકડ કરવામાં આવી હતી. કતારના સત્તાવાળાઓનો આક્ષેપ છે કે આ લોકો ઈઝરાયલ વતી જાસૂસી કરી રહ્યા હતા. ભૂતપૂર્વ અધિકારીઓ તેમના પરિવારજનોએ અને ભારત સરકારે આરોપોને ફગાવ્યા છે. તેમની જામીન અરજીઓ ઘણીવાર ફગાવી દેવામાં આવી છે. કતારની અદાલતે આપેલા ચુકાદા પછી ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ‘અમને પ્રાથમિક જાણકારી મળી છે કે કતારની નીચલી અદાલતે અલ-દહરા કંપની સાથે જોડાયેલા પાંચ ભૂતપૂર્વ નૌસૈનિકો વિરુદ્ધ ચુકાદો આપ્યો છે. અમે આ મામલામાં સંપૂર્ણ કાયદાકીય અને રાજદ્વારી મદદ કરતા રહીશું. કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન બિરેન્દ્રકુમાર વર્મા, કેપ્ટન સૌરંભ વશિષ્ઠ, કમોડોર અમિત નાગપાલ, કમોડોર પૂર્ણેન્દુ તિવારી, કમોડોર સુગુનાકર પાકાલા, કમોડોર સંજીવ ગુપ્તા, નૌસૈનિક રાગેશની ધરપકડ કરવામાં આવી હતી.