કેજરીવાલના ફોનમાંથી ચૂંટણીની રણનીતિ જાણવાની ઈડીની છે મુરાદઃ ‘આપ’ના નેતાનો દાવો
નવી દિલ્હીઃ ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ ભાજપના રાજકીય હથિયાર તરીકે કામ કરી રહ્યું છે અને તે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના ફોનના માધ્યમથી આપની લોકસભા ચૂંટણીની રણનીતિની વિગતો મેળવવા માંગે છે, એમ આપ (આમ આદમી પાર્ટી)ના વરિષ્ઠ નેતા આતિશીએ દાવો કર્યો હતો.
આમ આદમી પાર્ટી(આપ)ના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલની ૨૧ માર્ચે કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા દિલ્હી એક્સાઇઝ પોલિસી સાથે સંકળાયેલ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ ૧ એપ્રિલ સુધી તેની કસ્ટડીમાં રહેશે.
આતિશીએ પત્રકાર પરિષદમાં આક્ષેપ કરતાં કહ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)નો કેજરીવાલના મોબાઇલ ફોનની તપાસ કરવાનો આગ્રહ, જે થોડા મહિના જૂનું છે અને નીતિ બનાવવા અને અમલમાં આવવા સમયે અસ્તિત્વમાં નહોતું. તે સાબિત કરે છે કે એજન્સી ભાજપના રાજકીય હથિયાર તરીકે કામ કરી રહી છે.
આપ નેતા કેજરીવાલ સરકારમાં મંત્રી છે. તેમણે કહ્યું કે ખરેખર તે ભાજપ છે ઇડી નહીં કે જે કેજરીવાલના ફોનમાં શું છે તે જાણવા માંગે છે. તેમણે દાવો કર્યો હતો કે આબકારી નીતિ ૨૦૨૧-૨૨માં લાગુ કરવામાં આવી હતી અને મુખ્ય પ્રધાનનો વર્તમાન ફોન માત્ર થોડા મહિના જૂનો છે.
આતિશીએ કહ્યું કે ઇડીએ કહ્યું છે કે કેજરીવાલનો તે સમયનો ફોન ઉપલબ્ધ નથી અને હવે તેઓ તેમના નવા ફોનનો પાસવર્ડ માંગે છે. તેઓને તે એટલા માટે જોઇએ છે કારણ કે તેઓ આપની લોકસભા ચૂંટણીની રણનીતિ, પ્રચાર યોજનાઓ, I.N.D.I.A. બ્લોકના નેતાઓ સાથેની વાતચીત અને મીડિયા અને સોશ્યલ મીડિયા રણનીતિ સંબંધિત માહિતીની વિગતો મળે.
સંસદીય ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે આપ, ટીએમસી, કોંગ્રેસ, ડીએમકે અને એસપી સહિત કેટલાક વિરોધ પક્ષો દ્વારા આ બ્લોક બનાવવામાં આવ્યો છે. ભ્રષ્ટાચારના આરોપો બાદ ૨૦૨૧-૨૨ની નીતિને રદ્ કરવામાં આવી હતી.