રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદસિંહ ડોટાસરાના પુત્રોને EDનું સમન્સ
EDએ કથિત પેપરલીક મામલે રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદસિંહ ડોટાસરાના પુત્રોને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. રાજસ્થાનના પૂર્વ શિક્ષણપ્રધાન અને કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદસિંહ ડોટાસરાની માલિકીની અનેક જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. તેમજ અન્ય એક કોંગ્રેસ નેતા ઓમપ્રકાશ હુડલાની માલિકીની જગ્યાઓ પર પણ કાર્યવાહી હાથ ધરી હતી.
રાજસ્થાનમાં સરકારી પરીક્ષાના પેપરલીક મામલે કોંગ્રેસ નેતાઓ દ્વારા મની લોનડરિંગ અને હવાલા દ્વારા રૂપિયાની લેતીદેતીની ગુપ્ત ફરિયાદો EDને મળી હતી. આ પહેલા આરપીએસી સભ્ય બાબુલાલ કટારાની પણ પૂછપરછ કરવામાં આવી તો કેટલાક કોચિંગ સંચાલકોની પણ ફરિયાદો EDને મળી છે.
ચૂંટણી નજીક આવતા EDની તપાસ અંગે અનેક કોંગ્રેસ નેતાઓ નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. EDના આ એક્શન પર ગોવિંદ સિંહ ડોટાસરાએ સોશિયલ મીડિયા સાઇટ X પર પોતાની પ્રતિક્રિયા આપી હતી અને લખ્યું હતું, “સત્યમેવ જયતે.”
રાજસ્થાન સીએમ અશોક ગહેલોતે પણ સોશિયલ મીડિયામાં પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું હતું કે “રાજસ્થાનની મહિલાઓને કોંગ્રેસ તરફથી ગેરંટી આપ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ ડોટાસરાને ત્યાં રેડ. મારા પુત્ર વૈભવ ગહેલોતને પણ ED દ્વારા હાજર થવાનું સમન્સ. રાજસ્થાનની અંદર આટલા બધા દરોડા એટલા માટે પડી રહ્યા છે કારણકે ભાજપ નથી ઇચ્છતી કે રાજસ્થાનમાં મહિલાઓને, ખેડૂતોને, ગરીબોને કોંગ્રેસ દ્વારા અપાયેલી ગેરંટીઓનો લાભ મળે.”
સચિન પાયલટે પણ ડોટાસરાને ત્યાં પડેલી EDના રેડ અંગે પ્રતિક્રિયા આપી હતી, તેમણે જણાવ્યું હતું કે ભાજપ આ પ્રકારની પ્રવૃત્તિઓથી કોંગ્રેસના નેતાઓને ડરાવી ન શકે. પ્રદેશ કોંગ્રેસના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓમાં એકતા છે. આ પ્રકારના પ્રયત્નોથી ભાજપ ગભરાઇ રહી છે તેવું સાબિત થાય છે, તેમ સચિન પાયલટે જણાવ્યું.