ઇડીએ રાજ કુન્દ્રાની 97 કરોડની મિલકત જપ્ત કરી
મુંબઇ: બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ ફરી એકવાર વધી રહી છે. ઈડીએ મની લોન્ડરિગ કેસમાં રાજ કુન્દ્રા વિદ્ધ કાર્યવાહી કરીને મોટું પગલું ભર્યું છે. ઇડીએ શિલ્પા અને રાજની 97 કરોડ 79 લાખ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. એજન્સી દ્વારા અટેચ કરવામાં આવેલી સંપત્તિમાં કુન્દ્રાનો જુહુનો ફ્લેટ, પુણેનો બંગલો અને ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ બિટકોઈન આધારિત પોન્ઝી સ્કીમ કેસમાં ઇડીએ રાજ કુન્દ્રાની 97.79 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. ઇડીએ 2018માં પોન્ઝી સ્કીમની તપાસ શરૂ કરી હતી. ઇડીના સૂત્રોના જણાવ્યા અનુસાર, બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ કુન્દ્રા પર કેસની કાર્યવાહીના લાભાર્થી હોવાની શંકા છે.
આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ઇડીએ આ કેસના સંબંધમાં દિલ્હી સ્થિત બિઝનેસમેન નિખિલ મહાજનની ધરપકડ કરી હતી . મહાજને કથિત રીતે રોકાણકારોને આકર્ષવા દુબઈમાં સેમિનાર યોજીને કથિત કૌભાંડનો પ્રચાર અને પ્રસાર કરવામાં આરોપીઓને મદદ કરી હતી અને કથિત રીતે કેટલાક બિટકોઈન મેળવ્યા હતા.
ઇડીએ મહારાષ્ટ્રમાં નોંધાયેલી અલગ-અલગ એફઆઇઆરના આધારે
પીએમએલએ હેઠળ તપાસ શરૂ કરી હતી. રાજ કુન્દ્રા પર આરોપ હતો કે તેમણે અન્ય એજન્ટો સાથે મળીને વર્ષ 2017માં આશરે રૂ. 6600 કરોડના બિટકોઈન મેળવ્યા હતા. આ તમામ બિટકોઈન ખોટા વચનોના આધારે રોકાણકારો પાસેથી લેવામાં આવ્યા હતા. લોકોને 10 ટકાના વળતરની ખાતરી આપવામાં આવી હતી. રાજ કુન્દ્રાએ અંગત હિત માટે બિટકોઇન માઇનિંગનો ઉપયોગ કર્યો હતો. રાજ કુન્દ્રા આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ હોવાનું કહેવાય છે.
હાલમાં એક બિટકોઇનની કિમત લગભગ 51 લાખ રૂપિયાની છે. જોકે, બિટકોઇન કાનૂની ટેન્ડર નથી.