Money Laundering Case: યુપીમાં સમાજવાદી પાર્ટીના નેતાના નિવાસ્થાને ઈડીના દરોડા, દીકરાની ધરપકડ

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ પ્રધાન ગાયત્રી પ્રજાપતિ અને તેમના પરિવારના સભ્યો સામે ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ગુરૂવારે ઉત્તર પ્રદેશ, દિલ્હી અને મહારાષ્ટ્રમાં એક ડઝનથી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
ઉત્તર પ્રદેશમાં લખનઊ અને અમેઠી, મહારાષ્ટ્રમાં મુંબઇ અને દિલ્હીમાં કુલ ૧૪ જગ્યાઓ આવરી લેવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે લખનઊમાં પ્રજાપતિના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યારે ગાયત્રી પ્રજાપતિના દીકરાની ઈડીએ ધરપકડ કરી હતી.
૨૦૨૧માં ઇડી દ્વારા દાખલ કરવામાં આવેલો મની લોન્ડરિંગ કેસ, પ્રજાપતિ અને તેની સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધ ગેરકાયદે રેતી ખનન અને અપ્રમાણસર સંપત્તિના કબજાના આરોપમાં ઉત્તર પ્રદેશના તકેદારી વિભાગની એફઆઇઆરમાંથી ઉદભવે છે.
કેન્દ્રીય એજન્સીએ જાન્યુઆરીમાં પ્રજાપતિ, તેમના પરિવારના સભ્યો અને સહયોગીઓના રૂા. ૧૩ કરોડથી વધુ મૂલ્યના ચાર મુંબઇમાં ફ્લેટ અને લખનઊમાં બહુવિધ જમીનના ટુકડા જપ્ત કર્યા હતા. ઇડીએ સર્ચ કર્યા બાદ આ કાર્યવાહી કરી હતી.
પ્રજાપતિએ ઉત્તર પ્રદેશના ખાણકામ મંત્રીનો હોદ્દો સંભાળીને પોતાના સત્તાવાર હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો અને તેમના પરિવારના સભ્યો અને અન્ય નજીકના સહયોગીઓ/મિત્રોના નામે તેમની આવકના સ્ત્રોત કરતાં અપ્રમાણસર મોટી સંપત્તિઓ હસ્તગત કરી હતી. જે તેમની આવકના જાણીતા સ્ત્રોતને અનુરૂપ ન હતી, એમ ઇડીએ જણાવ્યું હતું.
ભૂતપૂર્વ પ્રધાન અને તેમના પરિવારના સભ્યોએ ઉત્તર પ્રદેશ સરકારમાં તેમના મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વિવિધ કાલ્પનિક અને બનાવટી વ્યવહારો દ્વારા જનરેટ કરેલા ગેરકાયદેસર ભંડોળને લોન્ડરિંગ કર્યું હતું અને બહુવિધ સંપત્તિઓ હસ્તગત કરી હતી. ગાયત્રી પ્રજાપતિ યુપીના પૂર્વ પ્રધાન છે, જ્યારે ખનનના કૌભાંડ અને રેપ કેસમાં 2017માં જેલમાં પણ રહ્યા હતા. ગાયત્રી પ્રજાપતિની પત્ની હાલમાં વિધાનસભ્ય છે.