‘આપ’ના વિધાનસભ્યને ત્યાં ઇડીના દરોડા
વક્ફ બૉર્ડમાં ભરતી અને નાણાંમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
નવી દિલ્હી: એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)એ આમ આદમી પાર્ટી (આપ)ના દિલ્હીમાંના વિધાનસભ્ય અમાનતુલ્લાહ ખાનને ત્યાં મંગળવારે દરોડા પાડ્યા હતા. કાળાં નાણાં ધોળાં કરવાની પ્રવૃત્તિમાંની કહેવાતી સંડોવણીના સંબંધમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા.
દિલ્હીના ઓખલા વિસ્તારના ૪૯ વર્ષીય વિધાનસભ્ય અમાનતુલ્લાહ ખાનની અને તેમની સાથે સંકડાયેલી ત્રણ જગ્યા (ઘર કે ઑફિસ) પર ઇડી દ્વારા દરોડા પડાયા હતા. દિલ્હીના ભ્રષ્ટાચાર-વિરોધી બ્યૂરોએ અને સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ નોંધેલા
પ્રથમદર્શી અહેવાલ (એફઆઇઆર)ને પગલે ઇડી દ્વારા આ દરોડા પડાયા હતા. દિલ્હી વકફ બૉર્ડમાં ગેરકાયદે નિમણૂક કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.
દિલ્હીના ભ્રષ્ટાચાર-વિરોધી બ્યૂરોએ ૨૦૨૨ના સપ્ટેમ્બરમાં અમાનતુલ્લાહ ખાનની ધરપકડ કરી હતી. તેણે આવકના જાહેર કરાયેલા સ્રોતની સરખામણીમાં વધુ મિલકત ધરાવવાના અને દિલ્હી વકફ બૉર્ડની કામગીરીમાંના ભ્રષ્ટાચારના સંબંધમાં આ કાર્યવાહી હાથ ધરી હતી.
ભ્રષ્ટાચાર-વિરોધી બ્યૂરોએ આક્ષેપ કર્યો હતો કે અમાનતુલ્લાહ ખાને દિલ્હી વકફ બૉર્ડના અધ્યક્ષ તરીકે સરકારી માર્ગદર્શિકા અને બધા નિયમનો ભંગ કરીને ૩૨ લોકોની ભરતી કરી હતી. તેમણે આ ભરતી કરવામાં ભ્રષ્ટાચાર અને અન્ય ગેરરીતિ આચરી હોવાનું કહેવાય છે.
ભ્રષ્ટાચાર-વિરોધી બ્યૂરોએ ૨૦૨૨ના સપ્ટેમ્બરમાં બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે દિલ્હી વકફ બૉર્ડના તત્કાલીન સીઇઓએ આવી ગેરકાયદે ભરતીના સંબંધમાં આવેદનપત્ર અને નિવેદન આપ્યા હતા. આ ઉપરાંત, દિલ્હી વકફ બૉર્ડના અધ્યક્ષ અમાનતુલ્લાહ ખાને બૉર્ડની સંપત્તિને ગેરકાયદે ભાડે આપી દીધી હતી.
તેણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે દિલ્હી સરકારે દિલ્હી વકફ બૉર્ડને આપેલી આર્થિક સહાયની રકમમાં પણ ગેરરીતિ આચરવામાં આવી હતી. (એજન્સી)