કેજરીવાલના અંગત સચિવને ત્યાં ઈડીના દરોડા
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે મંગળવારે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમાર અને આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા કેટલાક લોકોના ઠેકાણામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીમાં લગભગ ૧૦ જગ્યાઓમાં ઇડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હી જલ બોર્ડમાં કથિત અનિયમિતતાઓ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગરૂપે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા કેટલાક વ્યક્તિઓના ઠેકાણામાં પણ તપાસ કરવામાં આવી હતી.
કેન્દ્રીય એજન્સીના અધિકારીઓ દ્વારા બિભવ કુમાર અને દિલ્હી જલ બોર્ડના ભૂતપૂર્વ સભ્ય શલભ કુમાર, પાર્ટીના રાજ્યસભા સભ્ય અને રાષ્ટ્રીય ખજાનચી એન ડી ગુપ્તાની ઓફિસ સહિત અન્ય લોકોના પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દિલ્હીના કેબિનેટ પ્રધાન આતિશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, “હું ઇડી વિશે એક મોટો ખુલાસો કરવા જઈ રહી છું. તેમના કેબિનેટ સહયોગી સૌરભ ભારદ્વાજે કહ્યું, “ભાજપના રિકવરી ડિપાર્ટમેન્ટ (ઇડી) પર મોટો ખુલાસો થશે.
કેન્દ્રીય એજન્સી દિલ્હી જલ બોર્ડની ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિઓની તપાસ કરી રહી છે. ઇડી સીબીઆઇ અને દિલ્હી એસીબીની એફઆઇઆરના આધારે કાર્યવાહી કરી રહી છે. સીબીઆઇએ એફઆઇઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે દિલ્હી જલ બોર્ડના અધિકારીઓએ ઇલેક્ટ્રોમેગ્નેટિક મીટરોની સપ્લાય, તેને લગાવવા, ટેસ્ટિંગ અને કમિશનિંગ માટે ટેન્ડર આપતી વખતે એક કંપનીને લાભ પહોંચાડ્યો હતો.
સીબીઆઇની એફઆઇઆર મુજબ દિલ્હી જલ બોર્ડના તત્કાલિન મુખ્ય એન્જિનિયર જગદીશ કુમાર અરોરાએ મેસર્સ એનકેજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને ૩૮ કરોડ રૂપિયાનું ટેન્ડર આપ્યું હતું, તેમ છતાં કંપની જરૂરી માપદંડોને પૂર્ણ કરતી ન હતી. તાજેતરમાં જ ઇડી પીએમએલએના આરોપમાં જગદીશ અરોરા અને અનિલ કુમાર અગ્રવાલની ૩૧ જાન્યુઆરીએ ધરપકડ કરી હતી.