નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ કથિત એક્સાઇઝ પોલિસી કેસમાં આજે પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થઈ શકે છે. જો કે, હજી સુધી એ સ્પષ્ટ નથી થયું કે AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ આજે ED સમક્ષ હાજર થશે કે નહીં. આમ આદમી પાર્ટીએ આ મુદ્દે મૌન જાળવી રાખ્યું છે. EDએ બે દિવસ પહેલા મુખ્યમંત્રીને સમન્સ જારી કર્યા હતા અને દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે તેમની ઓફિસમાં બોલાવ્યા હતા.
સીબીઆઈએ એપ્રિલ 2023માં આ મામલે દિલ્હીના મુખ્યમંત્રીની નવ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. સીબીઆઈએ એપ્રિલમાં કથિત દારૂ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરી હતી, જે દરમિયાન તેમને લગભગ 56 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પૂછપરછ બાદ અરવિંદ કેજરીવાલે સમગ્ર મામલાને ‘બનાવટ’ અને AAPને ખતમ કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો. સીબીઆઈએ આ જ કેસમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી.
ઈડીએ તિહાર જેલમાં પૂછપરછ કર્યા બાદ સીબીઆઈ એફઆઈઆર સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 9 માર્ચે સિસોદિયાની ધરપકડ કરી હતી. આ સપ્તાહની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી.
દિલ્હીમાં હાલની પરિસ્થિતિ જોઇને પોલીસ એલર્ટ મોડમાં છે. પોલીસ વિવિધ સ્થળોએ બેરીકેટ લગાવીને વાહનોનું પણ ચેકિંગ કરી રહી છે.
હાલમાં એવા સમાચાર આવી રહ્યા છએ કે આજે વહેલી સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટી કાર્યવાહી કરી છે. ઇડીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદના ઘરે દરોડા પાડ્યા છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે ED સિવિલ લાઈન્સ સ્થિત રાજકુમાર આનંદના ઘરે પહોંચી ગઈ છે અને ઘરની તપાસ કરી રહી છે. એટલું જ નહીં રાજકુમાર આનંદ સાથે સંબંધિત લગભગ 10 સ્થળો પર વહેલી સવારથી EDના દરોડા ચાલુ છે. હાલમાં તે બહાર આવ્યું નથી કે ઇડીએ કયા કેસમાં કાર્યવાહી કરી છે.
https://x.com/ANI/status/1719910303251734842?s=20