દિલ્હી: ઓખલા વિધાનસભા સીટ પરથી આમ આદમી પાર્ટી (AAP) વિધાનસભ્ય અમાનતુલ્લા ખાને (Amanatullah Khan) આજે વહેલી સોમવારે દાવો કર્યો હતો કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ તેમના નિવાસસ્થાને દરોડા માટે પહોંચી ગઈ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં તેમણે કહ્યું કે EDના અધિકારીઓ તેમની ધરપકડ કરવા પહોંચ્યા છે. AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહે (Sanjay Singh) દરોડાનો એક વીડિયો શેર કર્યો છે અને કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને EDની તાનાશાહી ચાલુ છે. જયારે ભાજપે વળતો પ્રહાર કર્યો છે.
અહેવાલો અનુસાર વક્ફ બોર્ડ મની લોન્ડરિંગ કેસની તપાસ કરવા EDની ટીમ અમાનતુલ્લા ખાનના ઘરે પહોંચી હતી. અગાઉ ED આ કેસમાં અમાનતુલ્લાની ઘણી વખત પૂછપરછ કરી ચૂકી છે. જ્યારે તપાસ EDની ટીમ અમાનતુલ્લા ખાને ખાનના ઘરે પહોંચી ત્યારે તેણે દરવાજો ખોલ્યો ન હતો.
અમાનતુલ્લા ખાને આજે સવારે 6.29 વાગ્યે X પર કરેલી એક પોસ્ટમાં લખ્યું કે, “EDના લોકો મારી ધરપકડ કરવા મારા ઘરે પહોંચ્યા છે.”
નોંધનીય છે છેલ્લા એક વર્ષમાં આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ લીકર પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ મામલા અને અન્ય કેસમાં જેલમાં ગયા છે, જેમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલથી, મનીષ સિસોદિયા અને સંજય સિંહ જેવા નેતાઓનો સમાવેશ થાય છે.
સંજય સિંહે x પર દરોડાનો વીડિયો શેર કર્યો અને કહ્યું, “ઈડીની નિર્દયતા જુઓ. અમાનતુલ્લા ખાન સૌથી પહેલા ઈડીની તપાસમાં જોડાયા હતા, તેમની પાસેથી વધુ સમય માંગ્યો હતો. તેમના સાસુને કેન્સર છે, તેમણે ઓપરેશન કરાવ્યું છે. અમાનતુલ્લા સામે કોઈ પુરાવા નથી, પરંતુ મોદીની સરમુખત્યારશાહી અને EDની ગુંડાગીરી ચાલુ છે.”
દરોડા દરમિયાન EDના એક અધિકારી અમાનતુલ્લા ખાનને કહી રહ્યા છે કે, તમે એવું કેમ માનો છો કે અમે તમારી ધરપકડ કરવા આવ્યા છીએ? જેના જવાબમાં અમાનતુલ્લા ખાને કહ્યું કે, “1000 ટકા, તમે અહીં કેમ આવ્યા છો? જો તમે મારી ધરપકડ કરવા નથી આવ્યા તો શા માટે આવ્યા છો. તમે માત્ર મારી ધરપકડ કરવા આવ્યા છો. મારા ઘરમાં ખર્ચા પાસે પૈસા નથી, તમે સર્ચ કરવા આવ્યા છો? મારી પાસે શું છે?”
આવેલા વીડિયોમાં અમાનતુલ્લા ખાનની પત્ની ED અધિકારીઓને કહેતા સાંભળી શકાય છે કે, “મારી માને કેન્સર છે અને તેનું ઓપરેશન થયું છે. તે ઉભી પણ નથી રહી શકતી. જો મારી માતાને કંઈ થશે તો હું તમને કોર્ટમાં લઈ જઈશ.”
આ દરમિયાન આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ એક પોસ્ટમાં કહ્યું, “ઇડી માટે આ એક જ કામ બાકી છે. બીજેપી વિરુદ્ધ ઉઠેલા દરેક અવાજને દબાવી દો. તેમને તોડો. જે લોકો તૂટતા નથી, દબાતા નથી, તેમની ધરપકડ કરો અને તેમને જેલમાં ધકેલી દો.”
બીજેપી પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે અમાનતુલ્લા ખાન પર નિશાન સાધ્યું અને કહ્યું કે જે વાવશે તે જ લણશે. અમાનતુલ્લા ખાન કાશ તમને આ યાદ હોત.