
કોલકાતા: આરજી કાર મેડીકલ કોલેજમાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા કેસની તપાસમાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) પણ જોડાયું છે. હોસ્પિટલમાં કથિત નાણાકીય અનિયમિતતાના મામલામાં ઇડીએ સંદીપ ઘોષ અને તેની સાથે સંકળાયેલા અન્ય લોકોના સ્થળો પર દરોડા પડ્યા છે. અહેવાલ મુજબ કોલકાતામાં 5 થી 6 સ્થળો પર EDની તપાસ ચાલી રહી છે.
નોંધનીય છે કે અગાઉ CBIએ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષ અને અન્ય ત્રણ લોકોની નાણાકીય અનિયમિતતામાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરી હતી. ઘોષના સિક્યોરિટી ગાર્ડ અફસર અલી (44) અને હોસ્પિટલના સેલ્સમેન બિપ્લવ સિંઘા (52) અને સુમન હજારા (46)ની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકો હોસ્પિટલમાં સામગ્રી સપ્લાય કરતા હતા.\
| Also Read: West Bengal વિધાનસભામાં એન્ટી રેપ બિલ મંજૂર, ભાજપે આપ્યું સમર્થન, જાણો શું છે જોગવાઈઓ…
આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ નાયબ અધિક્ષક ડૉ. અખ્તર અલી દ્વારા સંસ્થામાં નાણાકીય અનિયમિતતા અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં તેણે સંદીપ ઘોષ પર હોસ્પિટલમાં બિનવારસી મૃતદેહોના અંગો વેચવા, બાયો-મેડિકલ વેસ્ટના નિકાલમાં ભ્રષ્ટાચાર અને બાંધકામના ટેન્ડરોમાં ભત્રીજાવાદનો આરોપ લગાવ્યો હતો. કોલકાતા પોલીસ પહેલા આ મામલે તપાસ કરી રહી હતી, હાઈકોર્ટના આદેશ બાદ સીબીઆઈએ પણ આ તપાસ પોતાના હાથમાં લીધી.
19 ઓગસ્ટે કોલકાતા પોલીસે સંદીપ ઘોષ વિરુદ્ધ IPCની કલમ 120B, 420 અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 7 હેઠળ કેસ નોંધ્યો હતો. પરંતુ હાઈકોર્ટના આદેશ બાદ સીબીઆઈએ 24 ઓગસ્ટે તપાસ સંભાળી હતી. સંદીપ ઘોષની આ કલમો હેઠળ જ ધરપકડ કરવામાં આવી હતી.