ટોપ ન્યૂઝનેશનલ

માનવ તસ્કરીમાં ગુજરાતી એજન્ટની સંડોવણીઃ EDએ કેનેડાની કોલેજો વિરુદ્ધ શરૂ કરી તપાસ

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) માનવ તસ્કરી મારફતે કેનેડાની સરહદેથી ગુજરાતીઓ સહિત ભારતીયોને અમેરિકા મોકલવા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેટલીક કેનેડિયન કોલેજો અને કેટલીક ભારતીય સંસ્થાઓની સંડોવણીની તપાસ કરી રહી છે. ઇડીએ મંગળવારે આ જાણકારી આપી હતી.

ઇડીની આ તપાસ ગુજરાતના કલોલ તાલુકાના ડિંગુચા ગામના એક જ પરિવારના ચાર સભ્યોના મોત સાથે જોડાયેલી છે. આ ગુજરાતી પરિવાર 19 જાન્યુઆરી, 2022ના રોજ ગેરકાયદે રીતે કેનેડાથી અમેરિકા સરહદ પાર કરવાનો પ્રયાસ કરતા સમયે વધુ ઠંડીના કારણે મોતને ભેટ્યો હતો.

મીડિયા અહેવાલો અનુસાર, ઇડીએ મુખ્ય આરોપી ભાવેશ અશોકભાઇ પટેલ અને કેટલાક અન્ય વિરુદ્ધ અમદાવાદ પોલીસની એફઆઈઆરની નોંધ લઈને મની લોન્ડરિંગ એક્ટની ફોજદારી કલમો હેઠળ ફરિયાદ નોંધી હતી.

આ પણ વાંચો: માનવ તસ્કરી : 99 બાળકો લઈ જતાં 5 મૌલવિઓની ધરપકડ; બાળકોને બિહારથી સહારનપુર લઈ લઈ જવાતા હતા

ઇડીના કહેવા પ્રમાણે ભાવેશ પટેલ અને અન્યો પર આરોપ છે કે તેમણે “માનવ તસ્કરીનો ગુનો કરીને લોકો (ગુજરાતીઓ)ને ગેરકાયદે રસ્તાઓના માધ્યમથી કેનેડા મારફતે અમેરિકા મોકલવાનું એક સુઆયોજિત કાવતરું રચ્યું હતું.

તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે તેણે આ કેસમાં 10 અને 19 ડિસેમ્બરના રોજ મુંબઈ, નાગપુર, ગાંધીનગર અને વડોદરામાં આઠ સ્થળોએ નવેસરથી શોધખોળ હાથ ધરી હતી. ઇડીએ જણાવ્યું હતું કે તપાસમાં બહાર આવ્યું છે કે બે સંસ્થાઓ જેમાંથી એક મુંબઈ અને બીજી નાગપુરમાં આવેલી છે. તેણે કમિશનના આધાર પર વિદેશોમાં સ્થિત યુનિવર્સિટીઓમાં ભારતીયોના પ્રવેશ માટે એક “કરાર” કર્યો હતો.

ઇડીએ કહ્યું હતું કે તાજેતરની તપાસમાં જાણવા મળ્યું છે કે લગભગ 25,000 વિદ્યાર્થીઓને એક સંસ્થા દ્વારા અને 10,000થી વધુ વિદ્યાર્થીઓને બીજી સંસ્થા દ્વારા દર વર્ષે ભારતની બહાર સ્થિત વિવિધ કોલેજોમાં મોકલવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: માનવ અંગોની તસ્કરી, સેક્સ અને ડ્રગ્સ રેકેટ, ગેરકાયદે કોન્ટ્રાક્ટ! આરજી કાર હોસ્પિટલ ગોરખધંધાનું કેન્દ્ર

એવું જાણવા મળ્યું છે કે ગુજરાતમાં લગભગ 1,700 એજન્ટો/ભાગીદારો છે અને સમગ્ર ભારતમાં અન્ય સંસ્થાઓના લગભગ 3,500 એજન્ટ/ભાગીદારો છે, જેમાંથી લગભગ 800 એક્ટિવ છે. સાથે એ પણ જાણવા મળ્યું છે કે કેનેડા સ્થિત લગભગ 112 કોલેજોએ એક સંસ્થા સાથે અને 150થી વધુ કોલેજોએ બીજી સંસ્થા સાથે કરાર કર્યા છે. તાત્કાલિક કેસમાં તેમની સંડોવણીની તપાસ કરવામાં આવી રહી છે.

ઇડીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે “આને ધ્યાનમાં રાખીને કેનેડા સ્થિત કોલેજો દ્વારા મેળવેલી ફી વ્યક્તિઓના ખાતામાં પરત કરવામાં આવી હતી.” નિર્દોષ ભારતીયોને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવા માટે “લાલચ” આપવામાં આવી હતી અને વ્યક્તિદીઠ 55 થી 60 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.

આ વર્ષે નવેમ્બરમાં અમેરિકામાં ગુજરાતી પરિવારના મોતના કેસમાં સુનાવણી શરૂ થઈ હતી. માનવ તસ્કરીના આ કેસના એક સાક્ષીએ કોર્ટને જણાવ્યું કે તે માનવ તસ્કરી મારફતે 500થી વધુ ભારતીય પ્રવાસીઓને અમેરિકા લાવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button