નેશનલ

વિપક્ષના નેતાઓ પર ઇડી ત્રાટક્યું

કૉંગ્રેસ, આપ, તૃણમૂલના નેતાઓ સકંજામાં: અનેક રાજ્યમાં દરોડા

નવી દિલ્હી: એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)એ કૉંગ્રેસ, આમ આદમી પક્ષ અને તૃણમૂલ કૉંગ્રેસના નેતાઓની સામે બુધવારે મોટા પાયે કાર્યવાહી હાથ ધરી હતી.

ઇડીએ ઉત્તરાખંડના કૉંગ્રેસના નેતા હરકસિંહ રાવતને સંબંધિત ત્રણ રાજ્યમાંના ૧૬ ઠેકાણે દરોડા પાડ્યા હતા, દિલ્હી જળ બૉર્ડને લગતા કહેવાતા કૌભાંડને લઇને આમ આદમી પક્ષ (આપ)ના નેતાઓ પર દરોડા પાડ્યા હતા અને મોટા મૂલ્યની ચીજ-વસ્તુઓ, વિદેશી હૂંડિયામણ અને કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા હતા, જ્યારે પશ્ર્ચિમ બંગાળમાં રેશન કૌભાંડમાં તૃણમૂલ કૉંગ્રેસના નેતા શાહજહાં શેખને બીજી વખત સમન્સ પાઠવ્યા હતા, પરંતુ તેઓ ઇડી સમક્ષ ગેરહાજર રહેતા તેમના ઘરને સીલ કરાયું હતું. દરમિયાન, જમીન કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું કહેવાતા ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનના રિમાન્ડ ઇડીએ પાંચ દિવસ લંબાવ્યા હતા.

ઇડીએ મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે બુધવારે ઉત્તરાખંડ કૉંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ પ્રધાન હરક સિંહ રાવત વિરુદ્ધ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી અને હરિયાણા ઉપરાંત દેહરાદૂનમાં તેના નિવાસસ્થાન સહિત ઉત્તરાખંડમાં અનેક જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. દૂન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના પરિસર અને વીરેન્દ્ર કંડારી અને નરેન્દ્ર કે વાલિયા તરીકે ઓળખાતા વ્યક્તિઓને પણ આવરી લેવામાં આવ્યા હતા. ૬૩ વર્ષીય રાવતે ૨૦૨૨ની ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપી છોડી દીધી હતી અને કૉંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા.

ઇડીની તપાસ બે અલગ-અલગ કેસ સાથે જોડાયેલી છે અને રાવત અને તેના સાથીઓ સામે રાજ્યના કોર્બેટ ટાઇગર રિઝર્વમાં ગેરકાયદેસર વૃક્ષો કાપવા અને બાંધકામ અને રાજકારણી અને તેના પરિવાર સાથે સંકળાયેલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શૈક્ષણિક સંસ્થા માટે દેહરાદૂન જિલ્લામાં છેતરપિંડી જમીન સંપાદન સહિતનો આરોપ છે.

આ જમીન રાવતની પત્ની દીપ્તિ રાવત અને અન્ય કેટલાક લોકો દ્વારા છેતરપિંડી કરીને હસ્તગત કરવામાં આવી હતી અને તેના પર શ્રીમતી પૂર્ણા દેવી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા દૂન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની ઇમારત બનાવવામાં આવી હતી. ઉત્તરાખંડ સરકારના તકેદારી વિભાગે પણ ગયા વર્ષે રાવતને ત્યાં અગાઉની ભાજપ સરકારમાં રાજ્યના વન પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન કથિત વાઘ રિઝર્વ અનિયમિતતાઓના સંબંધમાં દરોડ પાડ્યા હતા.

કૉંગ્રેસ અને બીજેપી ઉપરાંત રાવત ભૂતકાળમાં બસપાનો પણ ભાગ રહી ચૂક્યા છે. તેમણે અવિભાજિત ઉત્તર પ્રદેશમાં ભાજપ સાથે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ૧૯૯૬માં બસપામાં જોડાયા અને બે વર્ષ પછી કૉંગ્રેસમાં ગયા હતા. કૉંગ્રેસ સાથે ૧૮ વર્ષના લાંબા કાર્યકાળ પછી તેમણે ૨૦૧૬માં ભાજપમાં જોડાવા માટે અગાઉની હરીશ રાવત સરકાર સામે બળવો કર્યો હતો. તેમને ૨૦૨૨માં ભાજપમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા કારણ કે તેમણે કથિત રીતે વિધાનસભા ચૂંટણી માટે પોતાના અને તેમની પુત્રવધૂ માટે પાર્ટી ટિકિટનો આગ્રહ કર્યો હતો.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(ઇડી) બુધવારે આરોપ લગાવ્યો હતો કે દિલ્હી જલ બોર્ડ (ડીજેબી) કોન્ટ્રાક્ટમાં કથિત ભ્રષ્ટાચારમાંથી મળેલી લાંચને રાષ્ટ્રીય રાજધાનીમાં શાસન કરતી આમ આદમી પાર્ટીને ચૂંટણી ભંડોળ તરીકે આપવામાં આવી હતી.

કેન્દ્રીય એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મંગળવારે આ મામલે પાડવામાં આવેલા દરોડા દરમિયાન ૧.૯૭ કરોડ રૂપિયાની કિંમતી ચીજવસ્તુઓ અને ચાર લાખ રૂપિયાનું વિદેશી ચલણ ઉપરાંત ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા હતા.

ઇડીએ મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમાર, ‘આપ’ રાજ્યસભાના સાંસદ એન. ડી. ગુપ્તા અને કેટલાક અન્ય લોકોના ઘર પર દરોડા પાડ્યા હતા.

એજન્સીએ જણાવ્યું હતું કે ડીજેબીના ભૂતપૂર્વ ચીફ એન્જિનિયર જગદીશ કુમાર અરોરાની ધરપકડ કરવામાં આવી હતી. તેણે એનકેજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ નામની કંપનીને ડીજેબી કોન્ટ્રાક્ટ આપ્યા બાદ રોકડ અને બેન્ક ખાતામાં ‘લાંચ’ લીધી હતી. તેણે આ રૂપિયા અનેક લોકોને આપ્યા હતા. ડીજેબી કૌભાંડમાં ‘આપ’ સાથે જોડાયેલા વ્યક્તિઓ સામેલ છે. એજન્સીએ દાવો કર્યો હતો કે લાંચની રકમ ‘આપ’ને ચૂંટણી ફંડ તરીકે આપવામાં આવી હતી.

દિલ્હીના પ્રધાન આતિશીએ એક પ્રેસ કોન્ફ્રન્સમાં દાવો કર્યો હતો કે એજન્સીના અધિકારીઓ માત્ર બિભવ કુમારના લિવિંગ રૂમમાં બેઠા રહ્યા હતા અને તેમની સાથે માત્ર બે જીમેલ એકાઉન્ટ ડાઉનલોડ અને પરિવારના ત્રણ ફોન લઈ ગયા હતા.

તૃણમૂલ કૉંગ્રેસના ફરાર નેતા શાહજહાં શેખ પશ્ર્ચિમ બંગાળમાં કરોડો રૂપિયાના કથિત રાશન કૌભાંડની તપાસના સંબંધમાં બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના અધિકારીઓ સમક્ષ હાજર થયા નહોતા. એજન્સીના એક અધિકારીએ આ જાણકારી આપી હતી.

તેમણે કહ્યું હતું કે ઇડીના અધિકારીઓની એક ટીમ કોલકાતા નજીક ‘સોલ્ટ લેક’ વિસ્તારમાં સીજીઓ સંકુલમાં સ્થિત એજન્સીની ઓફિસમાં રાજ્યના ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના તૃણમૂલ નેતાની રાહ જોઈ રહી છે. આ કેસની તપાસના સંદર્ભમાં પૂછપરછ માટે શાહજહાંને ઇડી દ્વારા બીજી વખત સમન્સ જાહેર કરાયું હતું.

ઇડીના અધિકારીઓએ પીટીઆઇને જણાવ્યું હતું કે તૃણમૂલના નેતા હજુ સુધી અમારી ઓફિસ પહોંચ્યા નથી. અમારા અધિકારીઓ ઘણા પ્રશ્ર્નો સાથે તેમની રાહ જોઈ રહ્યા છે. જો તે આજે પૂછપરછ માટે નહીં આવે તો અમે કાયદાકીય વિકલ્પો પર વિચાર કરીશું. કૌભાંડના સંબંધમાં સર્ચ ઓપરેશન પછી ૨૪ જાન્યુઆરીએ ઇડીએ શાહજહાંના ઘરને સીલ કર્યું હતું.

અગાઉ પાંચ જાન્યુઆરીએ ઇડીના અધિકારીઓની એક ટીમે તૃણમૂલ નેતાના ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તેમના પર ટોળાએ હુમલો કર્યો હતો, જેમાં એજન્સીના ત્રણ અધિકારીઓ ઘાયલ થયા હતા.

પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની ખાસ કોર્ટે કથિત જમીન કૌભાંડમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનની એન્ફોર્સમેન્ટ ડિરેકટરેટ (ઈડી) રિમાન્ડ પાંચ દિવસ માટે લંબાવી હતી.

ખાસ કોર્ટે અગાઉ બીજી ફેબ્રુઆરીએ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનને પાંચ દિવસની ઈડી કસ્ટડીમાં મોકલ્યા હતા જેનો અંત બુધવારે આવ્યો હતો. સોરેનની ૩૧ જાન્યુઆરીએ સાત કલાકની પૂછપરછ બાદ રાત્રે ધરપકડ કરાઈ હતી. તેમણે ધરપકડ પહેલાં રાજીનામું આપી દીધું હતું.

દિવસ દરમિયાન ઈડી તેમને કડક સુરક્ષા મધ્યે રાંચીની સિવિલ કોર્ટમાં લઈ ગઈ હતી. સોરેને હાથ ઊંચા કરીને ટેકેદારોનું અભિવાદન ઝીલ્યું હતું. ટેકેદારોએ ‘હેમંત સોરેન ઝિંદાબાદ’ અને ‘જેલ કા દરવાજા તૂટેગા, હેમંત ભૈયા છૂટેગા’ જેવા સૂત્રો પોકાર્યા હતા. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો